અમરેલી જિલ્લાના નાગરિકો અને ખેડૂતો માટે એક સારા સમાચાર છે. અમરેલી જિલ્લામાં મહી આધારિત જૂથ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવા માટેની ‘બગસરા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના’નું અમલીકરણ અને તેના ભૌતિક કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. વિધાનસભા સત્ર દરમિયાન ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા દ્વારા રાજ્યકક્ષાના પાણી પુરવઠા મંત્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે ૩૧/૧૨/૨૦૨૦ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમરેલી જિલ્લાના બગસરા, અમરેલી તથા કુંકાવાવ તાલુકાના ગામોને મહી આધારિત જૂથ યોજનાનું પાણી પૂરું પાડવા સરકારે કરેલી કાર્યવાહીનો અહેવાલ માંગ્યો હતો. આ પ્રશ્નના લેખિત જવાબમાં પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે, બગસરા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. વધુમાં, સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ યોજનાના તમામ ભૌતિક કામો પૂર્ણ કરી લેવામાં આવ્યા છે અને યોજનાનું કમિશનિંગ પણ કરી દેવામાં આવ્યું છે.
આ યોજનાથી કેટલા ગામોને લાભ મળશે ?
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, આ યોજના થકી અમરેલી જિલ્લાના કુલ ૩૯ ગામો અને ૧ શહેરને મહી નદીનું પાણી મળશે. જેમાં બગસરા તાલુકોનાં ૩૩ ગામો અને ૦૧ શહેર, અમરેલી તાલુકાના ૦૩ ગામો અને કુંકાવાવ તાલુકાના ૦૩ ગામોને લાભ મળશે.








































