બરોડા ડેરીની આગામી ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. વડોદરાની રાજનીતિ હાલ ચરમસીમાએ પહોંચ્યું છે. બરોડા ડેરીની આગામી ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસોમાં વર્તમાન અને પૂર્વ ડાયરેક્ટરોની ખેંચતાણ વચ્ચે હવે આ જંગ વ્યકિતગત આક્ષેપો અને શકિત પ્રદર્શન સુધી પહોંચી ગયો છે.
પાદરાના પૂર્વ ધારાસભ્ય અને સહકારી નેતા દિનુમામા (દિનેશ પટેલ) એ આજે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પાદરામાં એક વિશાળ સભા યોજી પોતાનું શકિત પ્રદર્શન કર્યું હતું. સભાને સંબોધતા દિનુમામાએ એક મોટી જાહેરાત કરતા ભાવુક સૂરે જણાવ્યું હતું કે, “આ બરોડા ડેરીની મારી છેલ્લી ચૂંટણી છે, હવે પછી હું ક્્યારેય ચૂંટણી નહીં લડું. એટલું જ નહીં, આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ હું ઉમેદવારી કરવાનો નથી.” પરંતુ હા…તેમણે પશુપાલકોના હિત માટે લડતા રહેવાની ખાતરી આપી હતી, પરંતુ તેમની આ નિવૃત્તિની જાહેરાતે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જગાડી છે.
બરોડા ડેરી ચૂંટણીના જંગમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે પાદરાની સાધી દૂધ મંડળીના પ્રમુખ ભાસ્કર ભટ્ટે દિનુમામા સામે ગંભીર અને ખળભળાટ મચાવનારા આક્ષેપો કર્યા. થોડા સમય પહેલા એક વિવાદમાં ફસાયેલા ભાસ્કર ભટ્ટે દિનુમામા પર નિશાન સાધતા કહ્યું કે દિનુમામાએ તેમને ફોર્મ ભરતા અટકાવવા માટે એડીચોટીનું જાર લગાવ્યું હતું. તેમણે દિનુમામાના ચરિત્ર પર સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો કે મામાના અનેક મહિલાઓ સાથે સંબંધો છે. ભાસ્કર ભટ્ટે વધુમાં ઉમેર્યું કે, “જ્યારથી હું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે જાડાયો છું, ત્યારથી દિનુમામા મારી પાછળ પડ્યા છે.”
બીજી તરફ, બરોડા ડેરીના વર્તમાન અને પૂર્વ ડાયરેક્ટરોએ પણ આજે એકસાથે ફોર્મ ભરીને પોતાની દાવેદારી મજબૂત કરી છે. તમામ ડાયરેક્ટરોએ એકસૂરે જણાવ્યું હતું કે જા ભાજપ મેન્ડેટ આપશે તો જ તેઓ ચૂંટણી લડશે. પશુપાલકોને ભાવફેરની વધુ રકમ મળે તે જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. ભાજપ વર્સિસ ભાજપની લડાઈ નહીં થાય તેવી ખાતરી પણ ઉચ્ચારવામાં આવી છે. નોંધનીય છે કે ભાજપ દ્વારા આજે જ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં તમામ દાવેદારોએ પોતાની રજૂઆત કરી છે.








































