રાજ્યમાં ફરી એકવાર નવા આંદોલનના એંધાણ  વર્તાઇ રહ્યા છે. વાસ્તવમાં ગુજરાતમાં આશરે ૨૫ હજાર આરોગ્ય કર્મચારીઓમાં ભારે અસંતોષ જાવા મળી રહ્યો છે. ખાસ કરીને પંચાયત વિભાગ હેઠળ કામ કરતા આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે કડક વલણ અપનાવવાના મૂડમાં છે. કર્મચારીઓનો આરોપ છે કે, સરકારે અગાઉ આપેલા આશ્વાસનો હજુ સુધી અમલમાં મુક્યા નથી, જેના કારણે તેઓમાં રોષ વધી રહ્યો છે.
વિગતો મુજબ આંદોલનનો મુખ્ય મુદ્દો ઉચ્ચતર પગારધોરણ અને સમયસર બઢતીનો છે. કર્મચારીઓનું કહેવું છે કે લાંબા સમયથી સેવા આપ્યા છતાં યોગ્ય પ્રમોશન અને પગાર સુધારા મળતા નથી. તેઓનો દાવો છે કે, અસ્પષ્ટ નિયમો અને નીતિઓના કારણે પાયાની કેડરમાં કામ કરતા કર્મચારીઓ જ વધુ ભોગ બની રહ્યા છે.
આરોગ્ય કર્મચારીઓએ સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જા ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યભરમાં આંદોલન શરૂ થઈ શકે છે. સંઘના આગેવાનો કહે છે કે, આરોગ્ય સેવાઓમાં કર્મચારીઓની ભૂમિકા અગત્યની છે, છતાં તેમની માંગણીઓને ગંભીરતાથી લેવામાં આવતી નથી.
પંચાયત સ્તરે કામગીરી કરતા આરોગ્ય કર્મચારીઓનું માનવું છે કે, તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો આધારસ્તંભ છે. છતાં, નીતિગત સ્પષ્ટતા ના હોવાથી તેઓને અન્ય કેડર કરતાં ઓછો લાભ મળે છે. આ સ્થિતિ  ચાલુ રહેશે તો સેવા પર પણ અસર પડી શકે છે, એવી ચેતવણી સંઘ દ્વારા આપવામાં આવી છે. હાલ પરિસ્થિતિ  તંગ છે અને કર્મચારીઓ ફરી એકવાર રસ્તા પર ઉતરે તેવી શક્યતા  વ્યક્ત થઈ રહી છે. જા ચર્ચા દ્વારા ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમો જાહેર થઈ શકે છે.