વડોદરા ગ્રામ્ય પોલીસને એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે. દેશના અર્થતંત્રને ખોખલું કરવાના એક મોટા ષડયંત્રનો ગ્રામ્ય એલસીબીએ પર્દાફાશ કર્યો છે. મંજુસર પોલીસ મથકની હદમાં આવતા આસોજ ગામની સીમમાં ચાલતું નકલી ચલણી નોટો છાપવાનું એક આખું રેકેટ ઝડપાયું છે. ખેતરની એક સામાન્ય દેખાતી ઓરડીમાં ભાડે રહીને, પરપ્રાંતીય શખ્સો કલર પ્રિન્ટરના માધ્યમથી ડુપ્લીકેટ નોટો છાપી રહ્યા હતા. પોલીસે આ ગુનાહિત કારસ્તાન ચલાવતા બે આરોપીઓની રંગેહાથ ધરપકડ કરી છે.
વડોદરાના મંજુસર અને આસોજ ગામ વચ્ચે આવેલા ખેતરની એક શાંત અને સામાન્ય દેખાતી ઓરડીમાં એક બહુ મોટું ગુનાહિત કારસ્તાન ચાલી રહ્યું હતું. ગુનેગારોને એમ હતું કે આ નિર્જન વિસ્તારમાં તેમના પર કોઈની નજર નહીં પડે. પરંતુ, વડોદરા ગ્રામ્ય એલસીબીને મળેલી એક સચોટ બાતમીએ તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું. એલસીબીની ટીમે મોડી રાત્રે અચાનક દરોડો પાડીને નકલી ચલણી નોટો છાપવાનું મિની કારખાનું ઝડપી પાડ્યું.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે, છેલ્લા દોઢ મહિનાથી આ ઓરડીમાં બે પરપ્રાંતીય શખ્સો નકલી નોટો છાપીને, તેને અસલી નોટ તરીકે બજારમાં ઘુસાડવાનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી નરેન્દ્ર જંગલાલ પાલ અને હેમંત મદનલાલ જાગીડ નામના બે આરોપીઓને દબોચી લીધા છે. જેમાં નરેન્દ્ર છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતમાં જ સ્થાયી થયેલો હતો અને સ્થાનિક ભૂગોળથી સારી રીતે વાકેફ હતો.
જિલ્લા પોલીસ વડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આસોજ ગામની સીમમાં કેટલાક લોકો બહારથી આવીને શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યા છે. બાતમીના આધારે રાત્રે રેડ કરવામાં આવી ત્યારે બે શખ્સો નકલી નોટોનું પ્રિન્ટીંગ કરતા રંગેહાથ પકડાયા છે. આ લોકો ભાડાની ઓરડી રાખીને આ નેટવર્ક ઓપરેટ કરતા હતા. બંનેની અટકાયત કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી એટલે કે ગુનો કરવાની રીત પણ ચોંકાવનારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ કોઈ મોટી મશીનરી નહીં, પરંતુ સામાન્ય કલર પ્રિન્ટરનો ઉપયોગ કરીને ૫૦૦ અને ૨૦૦ રૂપિયાના દરની નકલી નોટો છાપતા હતા. દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી ૫૦૦ ના દરની ૧૪ નોટો અને ૨૦૦ ના દરની ૨ નોટો મળીને કુલ ૧૬ જેટલી નકલી નોટો મળી આવી છે, જેને કબજે કરવામાં આવી છે. આ ઉપરાંત, નોટ છાપવા માટે વપરાતું કલર પ્રિન્ટર, નોટને અસલી જેવો લુક આપવા માટે વપરાતી ખાસ પ્રકારની ઇન્ક અને ઉચ્ચ ગુણવત્તાવાળા પેપર પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આરોપીઓ આ નકલી નોટોને ભીડભાડવાળા બજારોમાં કે નાના વેપારીઓ પાસે વટાવીને અસલી નોટોમાં ઘુસેડવાની ફિરાકમાં હતા. પોલીસે આરોપીઓ પાસેથી પ્રિન્ટર, હાઈ-ક્વોલિટી પેપર અને સ્પેશિયલ ઇન્ક જપ્ત કરી છે. પ્રથમ દ્રષ્ટિએ આ નોટો જાતા સામાન્ય માણસ સરળતાથી છેતરાઈ જાય તેવી રીતે છાપવામાં આવી છે. અત્યારે બંને આરોપીઓનો કબજા મંજુસર પોલીસને સોંપવામાં આવ્યો છે અને તેઓ આ સામાન ક્યાં થી લાવતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ માત્ર બે આરોપીઓની ધરપકડનો મામલો નથી, પરંતુ દેશના અર્થતંત્ર સાથે જાડાયેલો ગંભીર ગુનો છે. હવે પોલીસ અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે.









































