ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ ‘શહેરી વિકાસ વર્ષ (UDY) ૨૦૨૫-૨૬’ ની ઉજવણીના ઉપલક્ષમાં જાફરાબાદ નગરપાલિકા દ્વારા એક વિશેષ સ્વદેશી મેળા અને શોપિંગ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જાફરાબાદ બગીચા ખાતે યોજાયેલ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ‘સ્વદેશી અપનાવો, વિદેશી ભગાવો’ ના મંત્રને સાર્થક કરવાનો અને સ્થાનિક રોજગારીને વેગ આપવાનો છે. આ મેળામાં એન.યુ.એલ.એમ. વિભાગના સ્વસહાય જૂથો, બહેનો અને શેરી ફેરિયાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના પ્રદર્શન તેમજ વેચાણ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારીયા, મનહરભાઈ બારીયા, ઉપપ્રમુખ નિરવભાઈ ઠાકર, ચેરમેન કનૈયાલાલ સોલંકી તથા નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્‌યા હતા. મેળામાં બાળકો માટે સ્વદેશી રમકડાં, વિવિધ સ્ટોલ્સ અને મનોરંજક રાઈડ્‌સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દરરોજ અહીં વિવિધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક કાર્યક્રમો દ્વારા સ્થાનિક કલાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે જાફરાબાદના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.