ધારી પંથકમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. વગર લાયસન્સે ઉંચા વ્યાજે પૈસા આપીને પઠાણી ઉઘરાણી કરતા બે શખ્સોના ત્રાસથી કંટાળીને એક પુરુષે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે એક અમદાવાદી સહિત બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ધારી નવી વસાહતમાં રહેતા જીકરભાઇ સીદીભાઇ મોરવાડીયા (ઉ.વ.૬૧) એ ધ્રુતેશભાઇ બાબુભાઇ દેવાણી રહે.અમદાવાદ તથા શાહનવાજભાઇ ઝફરૂલ્લાખાન દુરાણી રહે.ધારી સામે ફરિયાદ નોંધાવી હતી. શાહનવાજભાઈ દુરાણીએ ધ્રુતેશભાઈ દેવાણી સાથે મળીને ફરિયાદીને ગેરકાયદેસર રીતે અને વગર લાયસન્સે ઊંચા વ્યાજે નાણાં ધીર્યા હતા. વ્યાજની રકમ પેટે આરોપીઓએ તેમની અને તેમના પુત્ર આસીફભાઈ પાસેથી ગેરંટી તરીકે કોરા ચેક પણ પડાવી લીધા હતા. પૈસા આપ્યા બાદ બંને આરોપીઓ તેમને ફોન કરી સતત હેરાન કરતા હતા. વ્યાજના પૈસાની ઉઘરાણી માટે તેઓ પઠાણી ઉઘરાણી કરતા અને જ્યારે તેઓ પૈસા આપવામાં અસમર્થ હતા, ત્યારે આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વ્યાજખોરોના આ માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીથી ફરિયાદી સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. અંતે ત્રાસ સહન ન થતા તેમણે ફિનાઈલ પીધું હતું. ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર વી રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.









































