સાવરકુંડલાના દેતડ ગામે જૂના મનદુઃખને લઈને એક જ પરિવારના સભ્યો વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી હતી. ભત્રીજાના મોતના આક્ષેપોને લઈને આરોપીઓએ મહિલા અને તેમના સાસુને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે રેખાબેન અશ્વિનભાઇ વાઘેલા (ઉ.વ.૪૦)એ રેખાબેન નાનજીભાઇ દેલવાણીયા, ચંપાબેન કાળુભાઇ, દયાબેન ભરતભાઇ વાઘેલા તથા મુક્તાબેન પ્રવિણભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેના કુટુંબી ભત્રીજા પ્રકાશભાઈ વિનુભાઈ વાઘેલાનું થોડા સમય પહેલા મૃત્યુ થયું હતું. આ મોતના મામલે આરોપીઓએ તેના પતિ પર ખોટા આક્ષેપો કરતા હતા. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ વિવાદ ઉભો કર્યો હતો. આરોપીઓએ એકસંપ થઈને ફરિયાદીના ઘરે આવી અચાનક હુમલો કર્યો હતો. ઉપરાંત તેમની સાથે અશોભનીય વર્તન કરી ગાળાગાળી કરી હતી. તેમજ તેમના વૃદ્ધ સાસુને આરોપીઓએ ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો, જેના કારણે તેમને શરીરે મૂઢ ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.







































