કેન્દ્ર સરકારે ત્રણ મોટા રેલવે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આમાં જબલપુરથી ગોંદિયા લાઇનનું ડબલિંગ, પુનરખથી કિઉલ ત્રીજી અને ચોથી લાઇન અને ગમરિયાથી ચંદેલ ત્રીજી અને ચોથી લાઇનનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી કાર્યાલયના નવા કાર્યાલય સેવા તીર્થ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિન ની વૈષ્ણવે જણાવ્યું હતું કે બેઠકમાં કુલ ૧૨,૨૩૬ કરોડ રૂપિયાના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
વૈષ્ણવે જણાવ્યું હતું કે ત્રણ રેલવે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સનો ખર્ચ ૯,૦૭૨ કરોડ રૂપિયા થશે. શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સિવિલ એન્ક્લેવના વિકાસને પણ મંત્રીમંડળે મંજૂરી આપી. આ માટે કુલ ૧,૬૭૭ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
અમદાવાદમાં ગિફટ સિટીથી શાહપુર મેટ્રો એક્સટેન્શનને પણ મંજૂરી આપવામાં આવી છે. ૨૦૨૬-૨૭ સીઝન માટે શણના લઘુત્તમ ટેકાના ભાવમાં ૨૭૫ રૂપિયાનો વધારો કરીને ૫,૯૨૫ રૂપિયા પ્રતિ કવિન્ટલ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રીમંડળે પાવર ગ્રીડની ઇકવિટી રોકાણ મર્યાદા પ્રતિ પેટાકંપની ૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધારીને ૭,૫૦૦ કરોડ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.
વૈષ્ણવે જણાવ્યું હતું કે નવા પીએમઓ ભવન, સેવા તીર્થ ખાતે યોજાયેલી પ્રથમ મંત્રીમંડળની બેઠકમાં ૧૪૦ કરોડ લોકોના હિતમાં બધા નિર્ણયો લેવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. નવા પીએમઓ ભવનનું કાર્ય સંસ્કૃતિ ખાતરી કરશે કે દરેક નીતિ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અનુસાર હોય. મંત્રીમંડળના ઠરાવમાં જણાવાયું હતું કે અમારા માટે, બંધારણીય મૂલ્યો નૈતિક પ્રતિબદ્ધતાની અભિવ્યકિત છે, જે શાસનને ગૌરવ, સમાનતા અને ન્યાય સાથે જાડે છે.










































