અમરેલી ખાતે તાજેતરમાં સુપ્રસિધ્ધ વાર્તાકાર ‘કાનજી ભુટા બારોટ ર્બોડિંગ’નું લોકાપર્ણ પ. પૂ. મોરારીબાપુના હસ્તે કરવામાં
આવ્યું હતું. આ તકે વિશ્વવિખ્યાત હાસ્યકલાકાર અને આ ર્બોડિંગના ભૂમિદાતા જગદીશ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે પૂ.બાપુએ જણાવ્યું હતું કે, કાનજીબાપા એટલે વાતુંનો વડલો કહેવાય. લોકવાર્તા એટલે જ કાનજી ભુટા બારોટ. આજે ઘેઘુર વડલાસમી આ ર્બોડિંગમાંથી હજુ પણ વળવાઇઓ ફુટે તેવી માર્મિક ટકોર કરીને, પ્રતીકરૂપે વડલાને પાણી પાયું હતું. આ ર્બોડિંગને જે રૂ.૨૫ લાખનું માતબર ભૂમિદાન જગદીશભાઈએ આપ્યું તે સરાહનીય છે. પૂ. બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ આ આજના સમયની માંગ છે. સાથોસાથ બારોટ સમાજની પરંપરાનું શિક્ષણ પણ જરૂરી છે. બારોટ સમાજની વિદ્યામાં પણ બારોટ સમાજના વિદ્યાર્થીઓ પારંગત થાય, બારોટી શૈલીની ઘરડ પડે આ બહુ જરૂરી છે, તેમ કહીને પોતાનો રાજીપો વ્યકત કર્યો હતો. અમરેલીમાં લીલીયા રોડ, લીલીયા બાયપાસ, દાદા ભગવાન મંદિર પાસે આવેલ સમગ્ર બારોટ સમાજનું ગૌરવસમી આ ર્બોડિંગનો લાભ હવે પછી સાંસ્કૃતિક-સામાજિક કાર્યો માટે પણ મળી શકશે. ર્બોડિંગનું કામ પૂર્ણ થયે વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા પ્રાપ્ત થશે.
આ પ્રસંગે જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, મને આ ર્બોડિંગમાં ભૂમિદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે એ મારા માટે બહુ મોટી વાત છે. વરસોથી કાનજીબાપાની વાર્તા સાંભળતા આવતા હોવાથી આજે મને આવો અવસર મળ્યો છે. વરસો પહેલાના રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કાનાજીબાપાનું નામ ફરીથી અમરેલીઃ બારોટ સમાજ ટ્રસ્ટે રોશન કર્યું છે. આ તકે સુરતથી આવેલા ગુરૂકુળના સ્વામી પૂ. વિવેક મિશ્રાજીએ ગુરુકૂળની પરંપરા જાળવવી પણ એટલી જ જરૂરી છે તેમ જ શાસ્ત્ર અને શસ્ત્રનું જ્ઞાન પણ એટલું જ જરૂરી છે તેમ કહીને સમગ્ર બારોટ સમાજને આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમ પ્રારંભે ટ્રસ્ટના મંત્રી અમૃતલાલ સોનરાતે કાર્યક્રમની રૂપરેખા આપીને સૌ મહેમાનોને આવકાર્યા હતા. ટ્રસ્ટના પ્રમુખથી નારણભાઈ લગધીરે આભારવિધિ કરી હતી. આ તકે સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, મેરાણભાઈ ગઢવી વગેરે સહિત દાતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમિત સુખડીયાએ કર્યું હતું.








































