રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ૨૩મી ફેબ્રુઆરીએ અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને બાદમાં સિંધુ ભવન રોડ, ગોતા, ચાંદલોડિયા તેમજ એસ.જી. હાઈવે જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. અમદાવાદ,અમરેલી સહિત લગભગ દરેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કાળા ઘેરા વાદળો અને ઠંડા પવનોના કારણે તાપમાનમાં પણ થોડો ઘટાડો નોંધાયો હતો. અચાનક બદલાયેલા આ હવામાનને કારણે લોકોમાં આશ્ચર્ય અને સાવચેતી બંને જોવા મળ્યા હતા. ખાસ કરીને ઓફિસ જતા લોકો અને વિદ્યાર્થીઓને વરસાદી ઝાપટાંને કારણે થોડી અડચણોનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સોમવારે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સાથે માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, સુરત, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં પવન સાથે હળવા ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની પૂરી શક્યતા દર્શાવવામાં આવી છે. અચાનક બદલાતા હવામાનને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઘઉં, જીરૂં અને શાકભાજી જેવા પાક પર માવઠાની અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, ૨૪મી ફેબ્રુઆરીથી રાજ્યમાં હવામાનમાં ફરી પલટો આવશે અને વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. જોકે તાપમાનમાં વધ-ઘટ ચાલુ રહેશે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આજે કમોસમી વરસાદનો ભારે પ્રભાવ જોવા મળ્યો હતો. શિનોર, માલસર અને દામાપુરા ગામોમાં જોરદાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. તે જ રીતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસર તાલુકામાં પણ તેજ પવન સાથે વરસાદ નોંધાયો હતો. ઠંડા પવનોના ઝોકા અને વરસાદી વાતાવરણને કારણે લોકો ઘરઆંગણે જ રહેવાનું પસંદ કર્યું હતું.રાજ્યમાં હાલ બદલાતી હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કર્યો છે. ખેડૂતોને પણ પાકને નુકસાનથી બચાવવા યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.આમ, શિયાળાના અંતે અને ઉનાળાની શરૂઆતમાં આવેલા આ કમોસમી વરસાદે રાજ્યના હવામાનમાં અનિશ્ચિતતા સર્જી છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સાવરકુંડલા,બગસરામાં વરસાદી ઝાંપટાથી ખેડૂતોમાં ચિંતા
સોમવારના રોજ રાજયમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાંપટા પડ્યા હતા. વરસાદી ઝાંપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેથી લોકોને ગરમીથી રાહત મળી હતી. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. શિયાળુ પાક હજુ ખેતરોમાં ઉભો હોય જેથી ખેડૂતોને ખેતીપાકના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હાલ તો કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.








































