ક્યારેક સુખ માટે, ક્યારેક દુઃખમાંથી મુક્તિ માટે, ક્યારેક સફળતાની સીડીઓ ચડવા માટે, તો ક્યારેક પડી ગયેલી આશાઓને ટેકો આપવા માટે માનવી ઈશ્વરને પ્રાર્થના સ્વરૂપે અરજી કરે છે. પરંતુ ઈશ્વરની મરજી ઘણી વખત આપણી અરજીથી જુદી દિશામાં વહેતી હોય છે. આપણે ઈશ્વરને યાદ કરીએ ત્યારે મોટાભાગે આપણો સ્વાર્થ આગળ હોય છે. “મને આ મળી જાય”,“મારૂ દુઃખ દૂર થઈ જાય”, “મારો રસ્તો સહેલો થઈ જાય” . અહીં ‘મારું’ શબ્દ મોટો બને છે અને ‘મરજી’ શબ્દ નાનો થઈ જાય છે. આપણે ઈશ્વર પાસે દુનિયા બદલવાની અરજી કરીએ છીએ, પરંતુ પોતાનું મન બદલવાની હિંમત નથી રાખતા. અહીંથી અરજી અને મરજી વચ્ચેનો તફાવત ઊભો થાય છે.
સત્ય એ છે કે ઈશ્વર આપણા મન માટે મજબુર નથી, અને આપણી ઇચ્છાનો ઓર્ડર લેવા બેઠેલા સેવક પણ નથી.આપણે એના દાસ છીએ અને એ તો ભક્તના મનનો મલિક છે અને આખા જગતનો મહાન શિલ્પકાર છે, જે ક્યારેક ઘા મારીને માણસને મૂર્તિ બનાવે છે. ઘણી વાર જે આપણે માંગીએ છીએ એ જ આપણું દુઃખ બની જાય છે અને જે આપણને ન મળે એ જ આપણું રક્ષણ બની જાય છે.જ્યારે આપણા રસ્તામાં રુકાવટ આવે,ત્યારે કદાચ ખાડો આગળ હશે ત્યારે દરવાજો બંધ થાય, ત્યારે કદાચ અંદર અંધકાર હશે.આપણી અરજી તાત્કાલિક સુખ માગે છે, ઈશ્વરની મરજી દીર્ઘકાલીન કલ્યાણ આપે છે.આપણી નજર આજ પર અટકે છે,ઈશ્વરની નજર આવતીકાલ પર હોય છે.
માનવી ફરિયાદ કરે છે “મેં એટલી પ્રાર્થના કરી છતાં મળ્યું નહીં!”પણ એ પૂછતો નથી કે “જો મળી ગયું હોત તો શું થાત?”ક્યારેક ન મળવું પણ ઈશ્વરની દયા હોય છે,અને મોડું મળવામાં ઈશ્વરની અગમચેતી હોય છે.જીવનમાં સમજણ એ દિવસે આવે છે જ્યારે માણસ કહે કે “હે ઈશ્વર, તું જે આપે તે સ્વીકારું છું અને જે ન આપે તે પણ તારી મરજી સમજી સ્વીકારું છું.”અહીંથી શાંતિનો માર્ગ શરૂ થાય છે, અહીંથી ફરિયાદની જ્વાળા શાંત થાય છે.આજના સમયમાં માણસ ઈશ્વરને માત્ર મુશ્કેલીમાં યાદ કરે છે, સુખમાં ભૂલી જાય છે.આ પણ એક અરજી છેઃ સુખમાં ભુલવાની, દુઃખમાં યાદ કરવાની. પરંતુ ઈશ્વરની મરજી તો એવી છે કે સુખમાં નમ્રતા શીખવે અને દુઃખમાં ધીરજ.સમાજમાં આપણે જોઇએ છીએ તે મુજબ અન્યાય વધે છે,અહંકાર વધે છે,સત્તા અને સ્વાર્થ આગળ આવે છે.
અહીં માનવી અરજી કરે છે પરિસ્થિતિ બદલાય તે માટે, પરંતુ પોતે બદલાવા તૈયાર નથી. ઈશ્વરની મરજી કદાચ એ જ છે કે પરિસ્થિતિ નહિ પણ માણસનું મન બદલાય. માનવી જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે પોતાનું સુખ આગળ રાખે છે. તેને તરત જવાબ જોઈએ છે, તરત રાહત જોઈએ છે. પરંતુ ઈશ્વરની મરજી સમય અને પરિણામ બંને બાબતે વિશાળ હોય છે. જે આપણે માંગીએ તે હંમેશા આપણા હિતમાં જ હોય એવું નથી. ઘણી વાર ન મળવું પણ ઈશ્વરની કૃપા હોય છે, અને મોડું મળવું એ તૈયારીનો ભાગ. જો માનવી પોતાની ઇચ્છા સાથે ઈશ્વરની મરજીને સ્વીકારતા શીખી જાય, તો ફરિયાદની જગ્યાએ શાંતિ આવે. સમાજ બદલતા પહેલાં પોતાનું મન બદલાય એ જ ઈશ્વરની સાચી મરજી લાગે છે.