??????????????

રાજુલામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કરન્સી ચેસ્ટ સુવિધા બંધ થયા બાદ છૂટા નાણાંની સમસ્યા વકરી રહી છે. છેલ્લા ઘણા સમયથી રૂ.૧૦ અને રૂ.૨૦ની નોટો તેમજ સિક્કાઓની અછતને કારણે નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ ઓનલાઇન બિઝનેસ અને મોલ સંસ્કૃતિને કારણે નાના વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ છૂટા નાણાંની તંગી તેમની સ્થિતિ વધુ કફોડી બનાવી રહી છે.વેપારીઓના જણાવ્યા અનુસાર, બજારમાં ઉપલબ્ધ રૂ.૧૦-રૂ.૨૦ની મોટાભાગની નોટો ફાટેલી હોવાથી ગ્રાહકો તેનો સ્વીકાર કરતા નથી. વધુમાં, રૂ.૧૦૦૦ના પરચૂરણ માટે રૂ.૧૦થી રૂ.૨૦નું ગેરકાયદેસર કમિશન વસૂલવામાં આવતું હોવાની પણ ફરિયાદ ઉઠી છે. નવી નોટોના બંડલ પર પણ રૂ.૫૦થી રૂ.૧૦૦ વધારાના લેવાતા હોવાની ચર્ચાએ જોર પકડ્‌યું છે. અગાઉ રાજુલામાં કાર્યરત કરન્સી બ્રાન્ચ કોવાયા ખાતે ટ્રાન્સફર થતા આ સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ બાબતે રાજકીય પ્રતિનિધિઓ મૌન કેમ છે?