લાઠી તાલુકાના ભીંગરાડ–છભાડીયા–દામનગર રોડ પર આવેલ જુનું અને જર્જરીત પથ્થરનું નાળું પુલિયું હવે આધુનિક આર.સી.સી. માળખામાં રૂપાંતરિત થવા જઈ રહ્યું છે. અંદાજીત રૂપિયા ૫૦ લાખના ખર્ચે બનનારા આ પુલિયાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનક તળાવિયાના હસ્તે વિધિવત્ રીતે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં તાલુકા સ્તરના આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ભીંગરાડ–છભાડીયા–દામનગર માર્ગ ગ્રામ્ય વિસ્તાર માટે જીવનરેખા સમાન છે અને અહીં આવેલ જૂનું પથ્થરનું પુલિયું વર્ષો જૂનું તથા જોખમી સ્થિતિમાં હોવાથી વાહનચાલકો અને ખેડૂતોને ખાસ કરીને ચોમાસાના દિવસોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.








































