અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી સવાલો ઊભા થયા છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં શનિવાર, ૨૧મી ફેબ્રુઆરીની રાત્રે એક ૧૯ વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. રાત્રે બનેલી આ ઘટના સમગ્ર વિસ્તારમાં દહેશતનું વાતાવરણ ઊભું કરી ગઈ છે.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ઘટનાનો સમય રાત્રે અંદાજે ૧૦ વાગ્યાનો છે. બહેરામપુરા વિસ્તારમાં રહેતા ૧૯ વર્ષીય હિમેશ પરમાર પર કેટલાક અજાણ્યા શખસોએ અચાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે આડેધડ ઘા ઝીંકી હિમેશને ગંભીર રીતે ઘાયલ કર્યો અને પછી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. હિમેશ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. લોકોએ પોલીસને તરત જાણ કરતાં કાગડાપીઠ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે ઘટનાસ્થળનો પંચનામો કરી મૃતકનું શરીર પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યું છે. અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધાયો છે અને તેમની ઓળખ તેમજ અટકાયત માટે તપાસના ચક્રો તેજ કરવામાં આવ્યા છે. પોલીસ પ્રાથમિક તપાસમાં અદાવત કે વ્યક્તિગત દુશ્મની સહિતના તમામ શક્ય એનગલ પરથી તપાસ કરી રહી છે.
રાત્રિના સમયે ખુલ્લા રોડ પર થયેલી આ હત્યાએ વિસ્તારમાં ફફડાટ અને ભયનું વાતાવરણ સર્જી દીધું છે.માત્ર ૧૯ વર્ષની વયે યુવાનના મોતથી પરિવાર પર શોકનું ગાઢ વાતાવરણ છવાઈ ગયું છે, જ્યારે આસપાસના રહેવાસીઓમાં પણ સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.









































