કર્ણાટકમાં લોકાયુક્ત પોલીસે શનિવારે ભાજપના ધારાસભ્ય ડા. ચંદ્રુ લમાનીને લાંચ લેતા રંગે હાથે પકડ્યા. શિરહટ્ટી વિધાનસભા મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય ચંદ્રુ લમાણી અને તેમના બે સહયોગીઓને ગડગ જિલ્લાના લક્ષ્મેશ્વર શહેરમાં ૫ લાખ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્યની ધરપકડ પર કટાક્ષ કરતા, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે ભાજપના સભ્યો ભ્રષ્ટ ન હોઈ શકે કારણ કે પાર્ટીના નેતાઓ સૌથી પ્રામાણિક છે. તેમણે કહ્યું કે લોકાયુક્તને ખોટી માહિતી મળી હશે.
લોકાયુક્ત પોલીસના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટર વિજય પૂજારે ફરિયાદ કરી હતી કે ધારાસભ્ય અને તેમના સહયોગીઓએ નાના સિંચાઈ વિભાગ (જેમ કે રસ્તા પર રિટેનિંગ વોલ બનાવવા) સંબંધિત કામ માટે કુલ ?૧૧ લાખની લાંચ માંગી હતી. આ ફરિયાદના આધારે, પોલીસે છટકું ગોઠવ્યું અને શનિવારે બપોરે ૨ઃ૧૫ વાગ્યાની આસપાસ બાલાજી હોસ્પિટલમાં તેમને ૫ લાખનો પ્રથમ હપ્તો સ્વીકારતી વખતે પકડી લીધા. લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ ધારાસભ્ય અને તેમના સહયોગીઓ સામે કેસ નોંધ્યો છે અને કાર્યવાહી કરી છે.
ભાજપના ધારાસભ્યની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કટાક્ષમાં કહ્યું, “શું ભાજપના નેતાઓ દેશમાં સૌથી પ્રામાણિક નથી? ભાજપના સભ્યો ભ્રષ્ટ ન હોઈ શકે. તમને ખોટી માહિતી આપવામાં આવી હશે. લોકાયુક્તે પોતાનું નિવેદન આપ્યું હશે, અને હું તે પછી ટિપ્પણી કરીશ. ભાજપના નેતાઓ ભ્રષ્ટાચારમુક્ત છે. લોકાયુક્તને ખોટી માહિતી મળી હશે.” શિવકુમારે આસામમાં ભાજપની સ્થિતિ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આસામમાં ભાજપ વિરુદ્ધ સત્તા વિરોધી લહેર છે અને લોકો સરકાર બદલવા માંગે છે.
ડીકે શિવકુમારે કહ્યું, “જો ભાજપ આસામમાં મજબૂત હોત, તો તે આપણા ભૂતપૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભૂપેન કુમાર બોરાને પાર્ટીમાં શા માટે સામેલ કરવાનો પ્રયાસ કરે? અમારા કોઈ કાર્યકર્તા તેમની સાથે જોડાયા નહીં. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપ નબળો પડી રહ્યો છે અને હારી રહ્યો છે.” ભૂપેન કુમાર બોરા ૨૨ ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવાના છે. તેમણે તાજેતરમાં જ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. આસામ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આ ઘટનાક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એ નોંધવું જોઈએ કે ડીકે શિવકુમાર આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના નિરીક્ષક છે.









































