ઉના નજીક ઝુડવડલી ગૌશાળા પાસે સિંહ પરિવારે રાત્રિના સમયે એક ગાયનું મારણ કર્યું હતું. આ સિંહ પરિવારે કલાકો સુધી મારણની મિજબાની માણી હતી. આ વિસ્તાર સિંહના કાયમી વસવાટ માટે જાણીતો છે. સૌપ્રથમ સિંહણ અને સિંહબાળે મિજબાની માણી હતી, જ્યારે નર સિંહ આસપાસના વિસ્તાર પર નજર રાખી રહ્યો હતો જેથી તેમના પરિવારને કોઈ ખલેલ ન પહોંચે. ત્યારબાદ, સિંહણ મારણથી થોડે દૂર બેસી ગઈ હતી અને નર સિંહે ભોજન લીધું હતું. રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને સિંહપ્રેમીઓએ આ અદભુત દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. સિંહ પરિવારની આ હિલચાલ દિવસ દરમિયાન પણ ઝુડવડલી ગૌશાળા પાસે જોવા મળી હતી. આ વિસ્તારમાં સિંહ પરિવારનો કાયમી વસવાટ હોવાથી વન કર્મચારીઓ પણ સિંહની હિલચાલ પર સતત નજર રાખે છે. બાદમાં સિંહ પરિવાર નજીકની વાડીમાં રાતવાસો કરવા પહોંચી ગયો હતો. સામાન્ય રીતે, સિંહ પરિવાર બે થી ત્રણ દિવસ સુધી મારણ કરેલા વિસ્તારની નજીક રહેવાનું પસંદ કરે છે, જેથી રાત્રિના સમયે ફરીથી મારણ ખાઈ શકે.