સાવરકુંડલાની વી.ડી. કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે તા. ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી થઈ. ત્યારબાદ નરસિંહ મહેતાનું પ્રખ્યાત ભજન ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ ટી.વાય.બી.એ.ના વિદ્યાર્થી પરમાર અજયે હાર્મોનિયમ સાથે રજૂ કર્યું હતુ. કાર્યક્રમનું સંચાલન લુણી નિરવે કર્યું અને કાતરીયા વિભાએ માતૃભાષાના મહત્વ પર વિચાર વ્યક્ત કર્યા. નિમાવત જતીને ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને બોલીઓ અંગે રસપ્રદ રજૂઆત કરી. પ્રિન્સિપાલ ડો. એસ.સી. રવિયાએ શુભેચ્છા પાઠવી પ્રેરક ઉદબોધન આપ્યું. અંગ્રેજી વિભાગના ડો. અર્જુનસિંહ પરમારે યુનેસ્કો દ્વારા આ દિવસની ઘોષણાની માહિતી આપી. ગુજરાતી વિભાગના ડો. આશિષ ચૌહાણે સાહિત્યના મૂલ્યો સમજાવી મનોજ ખંડેરિયાની ગઝલનું પઠન કર્યું. ડો. હાર્દિક ઉદેશીએ પ્રસંગ દ્વારા ભાષાની મહત્તા સમજાવી હતી.








































