લાઠી તાલુકાના મેમદા ગામે જૂની અદાવત રાખી બે શખ્સોએ કર્મકાંડી યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહેલા યુવકને રસ્તામાં આંતરી, હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.આ સંદર્ભે પરેશભાઇ રવિશંકરભાઇ ઉપાધ્યાય (ઉ.વ. ૨૯)એ તેમના જ ગામના રણછોડભાઇ કાનાભાઇ ખેર તથા રમેશભાઇ ઉર્ફે ઘોહો રણછોડભાઇ ખેર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ પોતાના મોટરસાયકલ પર સવાર થઈ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. રસ્તામાં તેઓ તેમના મિત્ર જગદીશભાઈ વઢેરની વાડીએ ચા પીવા રોકાયા હતા. આ દરમિયાન એક વર્ષ જૂની અદાવત રાખીને બંને આરોપીઓ મોટરસાયકલ પર ત્યાં ધસી આવ્યા હતા.આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારતા પરેશભાઈ જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ મોટરસાયકલમાંથી લાકડાનો ધોકો કાઢી તેમના બંને પગે ત્રણ-ચાર ફટકા માર્યા હતા. આ ઉપરાંત રસ્તા પરથી પથ્થર ઉપાડી ફરિયાદીના પગ અને આંખના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એમ. ભાડલીયા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.








































