તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનએ હિન્દી ભાષા પર પોતાના સ્પષ્ટ અને મક્કમ વલણનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું કે તમિલનાડુમાં હિન્દી લાદવાનો વિરોધ કોઈ નવો મુદ્દો નથી, પરંતુ તેનો લાંબો ઇતિહાસ અને મૂળ આ ચળવળમાં છે.
ઉદયનિધિ સ્ટાલિને નિર્દેશ કર્યો કે પ્રથમ હિન્દી વિરોધી ચળવળ ૧૯૩૭-૩૮માં સમાજ સુધારક પેરિયાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જ્યારે શાળાઓમાં હિન્દી ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિ (કલાઈનાર) એ પણ ૧૪ વર્ષની ઉંમરે તિરુવરુરમાં વિરોધમાં ભાગ લીધો હતો. સ્ટાલિને યાદ કર્યું કે ૨૧ ફેબ્રુઆરી, ૧૯૪૦ ના રોજ સરકારે આ નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો અને હિન્દીની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે ઘણા લોકો પ્રશ્ન કરે છે કે જ્યારે અન્ય રાજ્યોમાં હિન્દી સ્વીકારાઈ છે ત્યારે તમિલનાડુ હિન્દીનો વિરોધ કેમ કરે છે. તેમણે જવાબ આપ્યો કે તમિલ ભાષા એટલી મજબૂત અને સમૃદ્ધ છે કે તેને અન્ય કોઈ ભાષા પર આધાર રાખવાની જરૂર નથી. નાયબ મુખ્યમંત્રીએ દ્રવિડ ચળવળની ભૂમિકા પર પણ ભાર મૂક્્યો. તેમણે કહ્યું કે ડીએમકે એ પક્ષ હતો જેણે રાજ્યમાં બે ભાષા નીતિ જાળવી રાખી હતી અને સ્પષ્ટપણે કહ્યું હતું કે હિન્દીનું અહીં કોઈ સ્થાન રહેશે નહીં.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રાજ્યનું નામ બદલીને તમિલનાડુ કરવામાં અને તમિલને શાસ્ત્રીય  ભાષાનો દરજ્જા અપાવવામાં ડીએમકેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉદયનિધિ સ્ટાલિનના આ નિવેદનને ભાષા રાજકારણ અને તમિલનાડુના કેન્દ્ર-રાજ્ય સંબંધોના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે હિન્દી વિરોધી ભાવના અને પ્રાદેશિક ઓળખનો મુદ્દો લાંબા સમયથી રાજ્યમાં ખૂબ જ સંવેદનશીલ રહ્યો છે.