ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. કીર્તિ પટેલ અને તેના સાથીઓની ધમકીઓથી કંટાળીને જૂનાગઢના એક યુવકે ફિનાઇલ ગળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અબ્જલ સીડા નામના યુવકે કિર્તિ પટેલ સામે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો.
આ વીડિયોમાં કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જશપાલ સિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડાએ યુવકને ધમકી આપી હતી અને ૨૦ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. તેમણે તેને વીડિયો ડિલીટ કરવાની ફરજ પાડી હતી, તેને બળાત્કારના કેસમાં ફસાવવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, અને તેના ઘરમાં ઘૂસીને પણ વીડિયો ડિલીટ કરવાની ધમકી આપી હતી.ધમકીઓ બાદ, જેતપુરમાં યુવકે ફિનાઇલ ગળી લીધું. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, અને કીર્તિ પટેલ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
થોડા સમય પહેલા ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર ભવનાથ મહાદેવના મેળામાં મહાશિવરાત્રિના અંતિમ દિવસે વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે શાહી સ્નાનના સમયે ભગવા વસ્ત્રો  પહેરીને સીધી મૃગીકુંડમાં ઘૂસીને સાધુઓની વચ્ચે ડૂબકી લગાવી દીધી હતી. આ ઘટનાના વીડિયો વાયરલ થતાં જ સંતોમાં રોષની આગ ભભૂકી ઊઠી હતી.
મહાશિવરાત્રિ ૨૦૨૬ના મેળાનો અંતિમ દિવસ હતો. રવેડી પૂર્ણ થયા બાદ મૃગીકુંડમાં સાધુ-સંતોનું શાહી સ્નાન શરૂ થયું. આ સમયે કીર્તિ પટેલ ભગવા કપડાંમાં ત્યાં પહોંચી અને સીધી કુંડમાં ઉતરી ગઈ.સાધુઓની વચ્ચે તેને સ્નાન કરતી જાઈને હાજર લોકોમાં હલચલ મચી ગઈ હતી.તંત્રે તાત્કાલિક પોલીસને સૂચના આપી અને મહિલા પોલીસ કર્મચારીઓએ તેને કુંડમાંથી બહાર કાઢી દીધી.કીર્તિ પટેલે ઘટના પછી મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, “હું સનાતની છું. શું મને પણ સ્નાન કરવાનો અધિકાર નથી?” પરંતુ સાધુ સમાજ આ વાતને સ્વીકારવા તૈયાર નથી.ત્યારે ફરી એક વાર આ ઘટના પછી કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો નોંધાયો છે.