વહીવટી અરાજકતા અને આંતરિક ઝઘડાને કારણે પાકિસ્તાન ક્રિકેટ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાલમાં તેની પોતાની ટી ૨૦ લીગ, પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) માં માલિકીનો જંગ લડી રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે હવે મેદાન કરતાં કોર્ટમાં અને બંધ દરવાજા પાછળ વધુ ચર્ચાઓ થઈ રહી છે.
સૂત્રોને જણાવ્યું છે કે તાજેતરમાં હરાજીમાં ખરીદેલી સિયાલકોટ ફ્રેન્ચાઇઝમાં બહુમતી હિસ્સા પર મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. સિયાલકોટ ટીમને કામિલ ખાન સહિત એક કન્સોર્ટિયમ દ્વારા ૧૮૫ કરોડમાં ખરીદવામાં આવી હતી.
જ્યારે એક મુખ્ય શેરધારક, મુહમ્મદ શાહિદે પીએસએલના સીઇઓ સલમાન નસીરને ફરિયાદ મોકલી ત્યારે મામલો વધુ વકર્યો. શાહિદનો દાવો છે કે તે ફ્રેન્ચાઇઝના ૭૬% શેર ધરાવે છે, જ્યારે બાકીના ૨૪% શેર ધરાવતા ભાગીદારો તેની જાણકારી અને સંમતિ વિના શેર વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિદેશમાં રહેતા શાહિદે સોશિયલ મીડિયા પર એક વિડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે લઘુમતી શેરધારકો તેમના શેરની બહાર શેર વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે આવી મોટી લીગમાં માલિકીનું માળખું આટલું અસ્પષ્ટ કેવી રીતે હોઈ શકે?
વિવાદ ફક્ત નવી ફ્રેન્ચાઇઝી સુધી મર્યાદિત નથી. પીએસએલની જાણીતી ટીમ લાહોર કલંદર્સમાં પણ માલિકી અંગે કૌટુંબિક તકરાર ઉભરી આવી છે. ફ્રેન્ચાઇઝના મૂળ માલિકોમાંના એક, ફવાદ રાણાએ કોર્ટનો ચુકાદો મળ્યા બાદ ફરીથી પીએસએલ મેનેજમેન્ટ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં, તેણે તેના ભાઈઓ, આતિફ રાણા અને સમીર રાણા પર તેની જાણ વગર તેની કંપનીના શેર વેચવાનો આરોપ મૂક્્યો. કોર્ટે ફવાદ રાણાની તરફેણમાં ચુકાદો આપ્યો.
આ ચાલી રહેલા વિવાદોએ પીસીબીની વહીવટી ક્ષમતાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પાકિસ્તાની ક્રિકેટની નાણાકીય કરોડરજ્જુ ગણાતી આ લીગમાં તેના ફ્રેન્ચાઇઝ માળખામાં પારદર્શિતા અને નિયંત્રણનો અભાવ છે. મેદાન પર પ્રદર્શન ચિંતાનો વિષય છે, પરંતુ બોર્ડ માલિકી હકને લઈને કાનૂની લડાઈનો સામનો કરી રહ્યું છે. જા પરિસ્થિતિ આ જ રીતે ચાલુ રહેશે, તો પીએસએલની વિશ્વસનીયતા પર અસર પડી શકે છે.









































