કોડીનારના વડનગર ખાતે આવેલી અંબુજા સિમેન્ટ ફેક્ટરી (અદાણી ગ્રુપ) દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી હવા, પાણી અને અવાજનું ભારે પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. આ ગંભીર બાબતે વડનગરના ગ્રામજનો તેમજ યુવા અગ્રણી ભાવેશભાઇ સોલંકી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અનેક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં પ્રદૂષણની સ્થિતિ હજુ પણ ઠેરની ઠેર જોવા મળી રહી છે. આ અંગે ભાવેશભાઈ સોલંકી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સહિતનાઓને પત્ર લખીને વિસ્તૃત ફરિયાદ કરવામાં આવી છે. પત્રમાં વધુમાં ઉલ્લેખ કરાયો છે કે, વર્ષ ૨૦૨૧-૨૦૨૨ થી ચાલી રહેલી આ લડતમાં GPCB, ખેતીવાડી વિભાગ તેમજ બાગાયત વિભાગ દ્વારા જ્યારે-જ્યારે સ્થળ તપાસ કરવામાં આવી છે, ત્યારે ફેક્ટરી દ્વારા ફેલાવવામાં આવતી ધૂળ (ડસ્ટિંગ) વાડી અને ખેતરના બાગાયતી તેમજ ખેતી પાકો પર સ્પષ્ટ જોવા મળી છે. આ અંગે GPCB ના અહેવાલોની નકલો અને ખેતીવાડી વિભાગે ૨૦૨૪ તેમજ ૨૦૨૫ માં કરેલ પંચરોજ કામની નકલો પણ ફરિયાદી પાસે ઉપલબ્ધ છે. જેમાં જે તે કમિટીએ પણ સ્વીકાર્યું છે કે ધૂળ ઉડી રહી છે અને તેનાથી પાકના ઉત્પાદન પર માઠી અસર થાય છે.








































