અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રિલાયન્સ જીઓનું નેટવર્ક છેલ્લા એક મહિનાથી વારંવાર ખોરવાતા હજારો યુઝર્સ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરના અનેક રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં કલાકો સુધી નેટવર્ક ડાઉન રહેવાની ફરિયાદો ઉઠી છે. આ ટેકનિકલ ખામીને કારણે કોલિંગ તેમજ ઇન્ટરનેટ સેવાઓ ઠપ થઈ જતાં સ્થાનિક વેપારીઓના ઓનલાઇન વ્યવહારો અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે.સ્થાનિક ગ્રાહકોના આક્ષેપ મુજબ, વારંવારની રજૂઆતો છતાં કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ નક્કર સોલ્યુશન લાવવામાં આવતું નથી. સત્તાવાર પ્રતિસાદના અભાવે યુઝર્સમાં ભારે રોષ વ્યાપ્યો છે. જો નેટવર્કની આ અસ્થિરતા વહેલી તકે દૂર કરવામાં નહીં આવે, તો ગ્રાહકોએ સામુહિક રીતે અન્ય નેટવર્ક ઓપરેટરમાં પોર્ટ થવાની ચીમકી ઉચ્ચારી છે. વારંવારના આ વિક્ષેપથી હવે સાવરકુંડલાના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.




































