ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર અને સંસ્કાર ભારતી-અમરેલી સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ૨૧ ફેબ્રુઆરી, શનિવારના રોજ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે. આ અવસરે શહેરના બાલભવન સભાખંડમાં રાત્રે ૮ઃ૩૦ કલાકે એક ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અકાદમીના અધ્યક્ષ ડા. ભાગ્યેશ ઝાની પ્રેરણા અને ડા. જયેન્દ્રસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ આ માતૃભાષા મહોત્સવ-૨૦૨૬ યોજાઈ રહ્યો છે. કવિ રમેશ પારેખની કર્મભૂમિ અમરેલીના આંગણે યોજાનારા આ સંમેલનમાં અગ્રણી કવિઓ પ્રણવ પંડ્યા, સ્નેહી પરમાર અને કેતન જોશી કાવ્યપઠન કરી માતૃભાષાના મહિમાને વધાવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ ડા. કેતન કાનપરિયા કરશે. આ આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં સહભાગી થવા અને કાવ્યરસનું પાન કરવા જિલ્લાના સાહિત્ય રસિકોને ગિરધરભાઈ સંગ્રહાલય અને લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








































