આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ વ્યવસ્થા અંગે ચિંતાજનક સ્થિત સામે આવી છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું છે કે નર્મદા અને દાહોદ જિલ્લામાં મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.
વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં ૫૪૯ અને દાહોદ જિલ્લામાં ૧૨૮૪ શિક્ષકોની ઘટ છે. બંને જિલ્લાઓને મળીને કુલ ૧૮૩૩ શિક્ષકોની અછત છે, જે આદિવાસી વિસ્તારોના શિક્ષણ માટે ગંભીર મુદ્દો છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, નિવૃત્તિ, જિલ્લા ફેરબદલી અને અવસાન જેવા કારણોસર મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડી છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં ૧૪૫ શાળાઓ એક જ શિક્ષકના ભરોસે ચાલતી હોવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે પ્રશ્ન ઊભો થયો છે કે જ્યારે શિક્ષકોની આટલી મોટી ઘટ છે, ત્યારે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મળશે? આ બંને જિલ્લાઓ પહેલેથી જ શિક્ષણના માપદંડોમાં પાછળ ગણાય છે. તેવી સ્થિતિ માં શિક્ષકોની અછત વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સીધી અસર કરે તેવી શક્્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચૈતર વસાવાએ આ મુદ્દે સરકારને જવાબદાર ઠેરવી તાત્કાલિક ભરતી કરવાની માંગ ઉઠાવી છે. હવે પ્રશ્ન એ છે કે સરકાર આ સ્વીકાર પછી કેટલા સમયમાં ખાલી જગ્યાઓ ભરીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ વ્યવસ્થા મજબૂત બનાવશે.





































