ગુજરાતની સર્વપ્રથમ તદ્દન નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પ્રદાન કરતી ભાવનગર જિલ્લાના ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના પ્રણેતા સદગુરુ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજને મરણોત્તર પદ્મ સન્માન (પદ્મવિભૂષણ કે પદ્મભૂષણ) થી વિભૂષિત કરવા માટે માંગ ઉઠી છે. સદગુરુદેવે કરેલા તદ્દન નિઃશુલ્ક આરોગ્યલક્ષી, શૈક્ષણિક અને રાષ્ટ્રહિતના સેવાકાર્યોને ધ્યાને લઈ હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટી બી.એલ. રાજપરા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. આ માટે ગત તા. ૧૪/૦૧/૨૦૨૬ ના રોજ રાજપરાએ ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રત અને ભારત સરકારના કેબિનેટ પ્રધાન મનસુખભાઈ માંડવીયાની રૂબરૂ મુલાકાત લઈને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. આ અગાઉ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (તા. ૦૧/૧૨/૨૦૨૫ ના રોજ રૂબરૂ), નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાને પણ લેખિત અને ઈમેલ દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવેલી છે. આ રજૂઆતોમાં જણાવાયું છે કે, ભારત સરકાર દ્વારા ભૂતકાળમાં રાષ્ટ્રહિત માટે સમર્પિત ઘણા સંતો-મહંતોને પદ્મ પુરસ્કારથી વિભૂષિત કરવામાં આવેલ છે. તે જ રીતે સમાજ માટે નિઃસ્વાર્થ સેવાઓ આપનાર સદ્ગુરુદેવ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજને પણ પદ્મ સન્માનથી સન્માનિત કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે.









































