ઉના અને સૂત્રાપાડા નગરપાલિકા વિસ્તારમાં સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે. આ મેળો ૨૧ થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. ઉનામાં રાવણા વાડી, ત્રિકોણબાગ ખાતે અને સૂત્રાપાડામાં નગદુર્ગા મંદિર ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથની બહેનો, સ્થાનિક ઉત્પાદકો અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી આવા સ્વદેશી મેળાઓનું સમયાંતરે આયોજન કરાય છે. ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશ’ અને ‘લોકલ ફોર વોકલ’ અભિયાન હેઠળ આ મેળામાં વિવિધ હસ્તકલા, ભરતગૂંથણ, હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ, બાંધણી, માટીકામની વસ્તુઓ, પર્સ અને હર્બલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ રહેશે. સખીમંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ પણ અહીં જોવા મળશે. નગરપાલિકાએ સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથની બહેનો, ઉત્પાદકો, કળા સર્જકો અને નાના ઉદ્યોગકારોને મેળામાં ભાગ લેવા તેમજ વધુને વધુ નાગરિકોને મેળાની મુલાકાત લેવા અનુરોધ કર્યો છે.









































