ઉના તાલુકાના તડ ચેકપોસ્ટ નજીક રાત્રિના સમયે બાઈક સાથે ગાય અથડાતા ડોળાસા ગામના એક આધેડનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, ડોળાસાના ૫૭ વર્ષીય આધેડ મનુભાઈ અમરસિંહભાઈ મોરી પોતાની બાઈક પર દીવથી ડોળાસા તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તડ ચેકપોસ્ટ પાસે અચાનક એક ગાય રોડ ક્રોસ કરી રહી હતી, જે તેમની બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં મનુભાઈ રોડની સાઈડમાં ફંગોળાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્ત મનુભાઈને તાત્કાલિક સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા, તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો હોસ્પિટલ દોડી આવતા ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યાં અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે. જેને પગલે સ્થાનિકો દ્વારા તંત્ર પાસે અકસ્માત નિવારવા માટે માંગ કરી છે.







































