રામવાળાની વાવડી ગામે જમીન વેચાણના સોદામાં સર્જાયેલા વિવાદ અને દબાણને કારણે એક વૃદ્ધ ઘરેથી કોઈને પણ કહ્યા વગર ચાલ્યા ગયા હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. ધારીના વેકરિયાપરામાં રહેતા ક્રીષ્નાબેન ભાભલુભાઇ ખુમાણ (ઉ.વ.૧૯)એ જાહેર કર્યા મુજબ, તેના પિતા ભાભલુભાઇ આપાભાઇ ખુમાણ આશરે એક વર્ષ પહેલા રામવાળાની વાવડી ગામના રહેવાસી રણુભાઇ મેરામભાઇ વાળા સાથે પોતાની સાડા આઠ વીઘા જમીનનો વેચાણ બાનાખત કર્યો હતો. આ સોદા પેટે ભાભલુભાઇએ રણુભાઇ પાસેથી રૂ.૮,૨૧,૦૦૦ (આઠ લાખ એકવીસ હજાર) સોદા પેટે એડવાન્સ લીધા હતા. આ જમીન સંયુક્ત ખાતાની હોવાથી, પરિવારના અન્ય સભ્યોની સહી લેવાની જવાબદારી રણુભાઇએ પોતે લીધી હતી. જોકે, ત્યારબાદ રણુભાઇ પોતાની વાત પરથી ફરી ગયા હતા અને આપેલી રકમ પરત લેવાની ના પાડતા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, રણુભાઇ અને તેમના ભાઇ બાબભાઇ વારંવાર ફોન કરીને ભાભલુભાઇ પર દસ્તાવેજ કરી આપવા માટે સતત દબાણ કરતા હતા. આ માનસિક તાણ અને સતત આવતા ફોનથી કંટાળીને અને મનમાં લાગી આવતા, ભાભલુભાઇ ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર પોતાની મેળે ક્યાંક ચાલ્યા ગયા હતા.