અમરેલી જિલ્લાના રોડ રસ્તા પર યમરાજના આંટાફેરા વધ્યા હોય તેમ અકસ્માતની વધુ ત્રણ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. બાબરાના ધરાઈ ગામ પાસે હાઈવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકની બેદરકારીને કારણે એક જ પરિવારના પાંચ સભ્યો અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં ૩ વર્ષની બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે મૂળ મધ્ય પ્રદેશના અને હાલ મોટા દેવળીયા ગામે વાડીએ રહેતા દિનેશભાઇ કૈલાસભાઇ ડોડવે (ઉ.વ.૩૦) એ જાહેર કર્યા મુજબ, તેઓ પોતાના સાળાના ઘરે આંટો મારીને પરત ફરી રહ્યા હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. તેઓ પોતાની પત્નિ રમતીબેન અને ત્રણ બાળકો સાથે બાઈક પર સવાર થઈને રાત્રે આઠેક વાગ્યે ધરાઈ ગામથી નીકળ્યા હતા. ધરાઈ બસ સ્ટેશનથી થોડે દૂર હાઈવે પર આગળ જઈ રહેલા ટ્રક (નંબરઃ GJ-04-W-6333) ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી, કોઈપણ સાઈડ આપ્યા વિના અચાનક જોરદાર બ્રેક મારી દીધી હતી. બાઈક સવાર પરિવાર બરાબર ટ્રકની પાછળ હોવાથી, બાઈક સીધું જ ટ્રકના પાછળના ભાગે ભટકાયું હતું.આ અથડામણમાં પરિવારના સભ્યોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક માનવતા નેવે મૂકીને વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માતની બીજી ઘટના નેસડી સાવરકુંડલા રોડ ઉપર બની હતી. આ અંગે ચેતનભાઈ નનુભાઈ પડસાલીયા (ભરવાડ) ઉ.વ.૧૯ એ મોટર સાયકલ નંબર જીજે-૦૫-એસ.ક્યુ ૪૪૭૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તા.૧૪/૦૨/૨૬ ના તેમના પિતા ઇજાપામનાર નનુભાઇ મંગળાભાઇ પડસાલીયા મોટર સાયકલ લઇને સાવરકુંડલા આવતા હતા. રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ નેસડી અને સાવરકુંડલા વચ્ચે ગૈશાળા નજીક મોટર સાયકલ નંબર જીજે ૦૫ એસ.ક્યુ ૪૪૭૭ ના ચાલકે રોંગ સાઈડમા આવી તેના પિતાને ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. જિલ્લામાં અકસ્માતનો ત્રીજો બનાવ કાગવદર ગામ પહેલા ડાયવર્ઝન પાસે નેશનલ હાઇવે ઉપર બન્યો હતો. રાજુલામાં રહેતા કરણભાઇ પ્રકાશભાઇ કોટડીયા (ઉ.વ.૨૮)એ ટ્રક નંબર GJ-14-AT-2846 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ તથા તેમના કૌટુંબિક ભાઇ રોહીતભાઇ અશોકભાઇ કોટડીયા તા.૧૭/૦૨/૨૦૨૬ ના સાંજના આશરે છએક વાગ્યા આસપાસ રોહીતભાઇની ફોરવ્હીલ ગાડી રજી. GJ-14-AP-8635 વાળી લઇને ગરાળ ગામે ગયા હતા. ત્યાંથી પરત રાજુલા આવતા હતા અને રાત્રીના આશરે નવેક વાગ્યા દરમિયાન તેઓ કાગવદર ગામ પહેલા હાઇવે રોડ ઉપરના ડાયવર્ઝન પાસે પોંહચતા સામેથી આવેલા ટ્રકે તેમની ફોરવ્હીલ કાર સાથે આગળના ભાગે ભટકાડી હતી.જેમાં તેમના ભાઇ રોહીતભાઇને માથાના ભાગે તથા ચહેરા ઉપર ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ તેમને પગના સાથળના ભાગે ફેકચર થાય તેવી ગંભીર ઇજા તથા શરીરે સામાન્ય ઇજા થઈ હતી.







































