શહેરમાં આવેલ સેંટ ઝેવીયર્સ લોયોલા શાળાના પ્રિન્સીપાલ ફાધર ઝેવીયર અમલરાજે ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ મનીષા શંકરભાઈ વસાવા છેલ્લા ૨૧ વર્ષથી શાળામાં ક્લાર્ક તરીકે અને ૧૫ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી હતી. શાળાના તમામ નાણાકીય હિસાબોની જવાબદારી તેના હાથમાં હતી. ઓડિટ દરમિયાન જ્યારે હિસાબો માંગવામાં આવ્યા ત્યારે તેણે ટાળટૂળ કરી અને બાદમાં રજા મંજૂર કરાવ્યા વિના શાળાએ આવવાનું બંધ કરી દીધું હતું.પછી શાળાના અન્ય સ્ટાફ અને ઓડિટર દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.
મનીષાએ પૂર્વ પ્રિન્સીપાલ ફાધર ચાર્લ્સ અરુલદાસની બોગસ સહીઓ કરી શાળાના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના પાંચ અલગ-અલગ ખાતામાંથી સમયાંતરે આશરે ૨.૮૪ કરોડની રકમ આરટીજીએસ અને ચેક મારફતે ‘ડિડક્શન ખાતા’માં ટ્રાન્સફર કરી હતી. જ્યારે ફાધર ચાર્લ્સને પૂછતાં તેમણે આવા કોઈ પણ ચેક પર સહીઓ ન કરી હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું.આ ઉપરાંત વર્ષ ૨૦૧૮-૨૦૧૯ દરમિયાન વાલીઓ પાસેથી રોકડમાં લેવામાં આવેલી અંદાજે ૧૩.૫૦ લાખ અને વર્ષ ૨૦૧૯-૨૦૨૦ની ૨૦.૧૫ લાખ જેટલી ફી પણ શાળાના ખાતામાં જમા કરાવવામાં આવી નહોતી.
તપાસમાં વધુમાં ખુલ્યું હતું કે, શાળાની ચેકબુક મનીષા ઘરે લઈ જઈ પતિ ધીરેન અશ્વિનભાઈ અધિકારીને આપતી હતી અને ત્યારબાદ બંને મળીને રકમ ઉપાડી લેતા હતા. આ કેસમાં જયેશ સુનિલકુમાર વાસવાની પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ બાદ મનીષા વસાવા, તેના પતિ ધીરેન અધિકારી અને જયેશ વાસવાનીની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. જ્યા સરકારી વકીલે દલીલ કરી હતી કે સમગ્ર કેસ નિશંકપણે પુરવાર થાય છે અને સમાજમાં દાખલો બેસે તે માટે કડક સજા જરૂરી છે.
બન્ને પક્ષોની દલીલો સાંભળી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.એચ. ખંભાતીની કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી ૩-૩ વર્ષની કેદની સજા ફટકારી હતી. સાથે જ અવલોકન કર્યું કે શાળામાં છેલ્લા ૨૧ વર્ષથી ફરજ બજાવતી મહિલા એકાઉન્ટન્ટે વિશ્વાસઘાત કર્યો છે. પૂર્વ પ્રિન્સીપાલની બોગસ સહીઓ કરી અને વાલીઓ પાસેથી મળેલી રોકડ ફી જમા ન કરાવી મોટી રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું પુરાવાઓ પરથી સાબિત થાય છે.







































