સમગ્ર દેશમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં ગિરનારના મીની કુંભ અને પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથના કારણે મહાશિવરાત્રીની વિશેષ ઉજવણી થાય છે, ત્યારે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં પણ હર હર ભોલેના નાદ સાથે મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વડિયામાં આવેલા ૧૨ જેટલા શિવ મંદિરોમાં આ પાવન પર્વે વિશેષ શણગાર, મહાઆરતી અને ભાંગ સહિતના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દર્શન અને પ્રસાદનો લાભ લેવા માટે શિવભક્તોનો મોટો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ખાસ કરીને વડિયાના બિલેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ, કંથડનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ અને સુરગેશ્વર મહાદેવ મંદિરોમાં બપોરે યોજાયેલી મહાઆરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ તમામ શિવાલયો ‘ૐ નમઃ શિવાય’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. જેનાથી સમગ્ર વડિયા શિવરાત્રીની ઉજવણીમાં જાણે શિવમય બની ગયું હોય તેવો ભક્તિમય માહોલ સર્જાયો હતો.






































