મહાશિવરાત્રીની આજે સાવરકુંડલા શહેરમાં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રંગબેરંગી રોશની અને ફૂલોના શણગારથી મંદિરોની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી. ખાસ કરીને રાત્રિના સમયે આ મંદિરો દીપી ઉઠ્‌યા હતા, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હાથસણી રોડ ખાતેના રામનાથ મહાદેવ, સોમેશ્વર મહાદેવ, બુદ્ધનાથ મહાદેવ અને ઓમકારેશ્વર મહાદેવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. બપોરના સમયે અહીં યોજાયેલી વિશેષ આરતીમાં ભક્તોનો ભારે ધસારો રહ્યો હતો. મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે અબાલ વૃદ્ધ સૌ ઉમટી પડ્‌યા હતા. પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે પણ અહીં નાવલી ચોક ખાતે આવેલ રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરે આવીને ભારે આસ્થા અને શ્રધ્ધા સાથે શિવપૂજા કરી હતી.દેવળા ગેઈટ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ આયોજિત ૯૦ મી ત્રિમૂર્તિ શિવ જયંતિનું આયોજન થયેલ જેમાં બિલીપત્રના શિવલિંગ દર્શન, વેલ્યુ ગેમ, મેડિટેશન માટે શાંતિ અનુભૂતિ કક્ષ અને પરમાત્મા સત્ય પરિચય દર્શાવતા આધ્યાત્મિક પ્રદર્શન દ્વારા શિવ દર્શનનું આધ્યાત્મિક ચિંતન કરતાં જોવા મળેલ.