દામનગર પંથકમાં સગાઈના સંબંધને કલંકિત કરતી એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સે પોતાની મંગેતરને જાનથી મારી નાખવાની અને સગાઈ તોડી નાખવાની ધમકી આપી વીડિયો કોલ પર કપડાં ઉતરાવી, તેનું રેર્કોડિંગ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું હતું. આ મામલે પીડિતાએ ભાવનગરના ઉમરાળા તાલુકાના લીમડા (હનુભા) ગામના રવીન ઉર્ફે રવિ દિનેશભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ, આરોપી અને પીડિતાની સગાઈ થયેલી હતી. સગાઈ બાદ વાતચીત દરમિયાન આરોપીએ ફરિયાદી યુવતીને વીડિયો કોલ કર્યો હતો અને ચાલુ કોલ પર કપડાં કાઢવા માટે દબાણ કર્યું હતું. યુવતીએ આવું કરવાની સ્પષ્ટ ના પાડતા આરોપીએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. તેણે યુવતીને બિભત્સ ગાળો આપી, તેના પરિવારને જાનથી મારી નાખવાની અને સગાઈ તોડી નાખવાની ધમકી આપી હતી.
આરોપીએ તેની મંગેતરને માનસિક રીતે ટોર્ચર અને ઈમોશનલ બ્લેકમેલ કરી હતી. ડર અને દબાણમાં આવીને યુવતીએ વીડિયો કોલ દરમિયાન ડ્રેસ કાઢી અંગ પ્રદર્શન કર્યું હતું. નરાધમ આરોપીએ આ દ્રશ્યોનું ચુપકેથી સ્ક્રીન રેર્કોડિંગ કરી લીધું હતું. સંબંધની મર્યાદા ઓળંગીને આરોપીએ આ ખાનગી વીડિયો કોલનું રેર્કોડિંગ ઇન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશન પર જાહેર કરી દીધું હતું. આ કૃત્ય દ્વારા તેણે યુવતીની મર્યાદા ભંગ કરી તેને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. દામનગર પોલીસ સ્ટેશનના પી આઈ સી.એન.દવે વધુ તપાસ કરી રહ્યા છે.








































