બાઢડાની એચ એન વિરાણી હાઇસ્કૂલમાં ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા તથા પરીક્ષાનો ડર દૂર કરવા માટેનો એક દિવસીય સેમિનાર યોજાયો હતો. જેના વક્તા અશોક ગુર્જર હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી, જે સંસ્થાના પ્રમુખ અને સાવરકુંડલા-લીલીયાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી દ્વારા કરવામાં આવ્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય ડો. મધુકરભાઈ બગડાએ કર્યું હતું. ધોરણ ૧૦-૧૨માં ગત વર્ષે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા અને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય તથા જિલ્લા કક્ષાએ પ્રસિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું હતું.