સત્ર દરમિયાન જલનેતિ અને કપાલભાતી જેવી શુદ્ધિક્રિયાઓનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવવામાં આવ્યું
અમરેલી જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ ચાલતા આશરે ૫૦ નિશુલ્ક યોગ વર્ગોમાં વિશેષ શટકર્મ ક્રિયા તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં કાર્યરત આ યોગ વર્ગો દ્વારા નાગરિકોમાં સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પહેલ અંતર્ગત યોગ કોચ પ્રિયંકાબેન ભદ્રાલના વર્ગમાં નવા યોગ ટ્રેનરો અને સાધકો માટે વિશેષ માર્ગદર્શન સત્ર યોજાયું. નિષ્ણાત યોગ ટ્રેનર ચંદનભાઈ ભદ્રાલ દ્વારા શટકર્મની તાત્વિક તથા પ્રાયોગિક માહિતી આપવામાં આવી. સત્ર દરમિયાન જલનેતિ અને કપાલભાતી જેવી શુદ્ધિક્રિયાઓનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવવામાં આવ્યું.
શટકર્મ અભ્યાસથી શરીરની આંતરિક શુદ્ધિ, પાચનતંત્ર મજબૂત બનાવવું, મેટાબોલિઝમ સુધારવું અને વધારાની ચરબી ઘટાડવામાં સહાય મળે છે. સાથે સાથે માનસિક એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.










































