જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ગયો છે ચારેય તફર ભકિતમય વાતાવરણ છે, બમ બમ ભોલેના નાદો ગુંજી રહયા છે ત્યારે દત્ત ચોક વિસ્તારમાં એક સાધુના હિંસક વર્તનથી અંધાધૂંધી સર્જાઈ ગઈ હતી.૧૨ ફેબ્રુઆરીની રાત્રે, એક નાગા સાધુ અચાનક આવેશમાં આવીને પોતાના હાથમાં ખુલ્લી તલવાર લઈને સૂતા લોકોને ડરાવા લાગ્યા હતા. એટલું જ નહીં ઘણા લોકો પર કપિરાજ પાસે હુમલો પણ કરાવ્યો હતો. ચારેય તરફ જાણે ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો. આ હિંસક સાધુએ પોતાની તલવારથી ન માત્ર ભય ફેલાવ્યો પરંતુ રસ્તા પર સૂતા લાચાર અને નિર્દોષ લોકો પર પણ હુમલો કર્યો.આટલું કરવા છતાં પણ જાણે તેમને સંતોષ ના થયો હોય એમ સાધુએ તેના સાથે રહેલા કપિરાજ પાસે લોકો પર હુમલો કરાવી ઘણા લોકોને ઘાયલ કર્યા હતા કેટલાક ભક્તોને તો કપિરાજે કરડીને અને પંજા મારીને ઘાયલ કર્યા હતા. જાણે સાધુએ દત્ત ચોકના વ્યસ્ત વિસ્તારને પોતાની બાનમાં લીધો હોય તેમ મેળાનું શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણ ભય અને આતંકના વાતાવરણમાં ધકેલાઈ ગયું હતું.
પોલીસને આ વાતની જાણ થતાં, સ્થાનિક રહેવાસીઓ અને દૂર-દૂરથી ભક્તો આ અયોગ્ય વર્તનથી ગુસ્સે થઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને જાતાં, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘણા પ્રયાસો પછી, પોલીસે ગુસ્સે ભરાયેલા સાધુને શાંત પાડ્યો અને તેને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.









































