આરએસએસની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ૧૭ ફેબ્રુઆરીએ સવારે ૯ઃ૦૦ વાગ્યે આર.કે.એમ.એમ. હાઈસ્કૂલના પટાંગણમાં “શ્રી દાનેવ વિરાટ હિન્દુ મહાસંમેલન” યોજાશે. કાર્યક્રમની તૈયારીઓ માટે ભીમનાથ મહાદેવ મંદિરે બેઠક યોજાઈ, જેમાં જિલ્લા કાર્યવાહક સૌરભભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ અધ્યક્ષ ગોરધનભાઈ ગેડિયાની ઉપસ્થિતિ રહી. મંત્રી સંદીપભાઈ પાનસુરીયાએ જણાવ્યું કે સંમેલનમાં સાધુ-સંતો, મહંતો, યુવાનો અને મોટી સંખ્યામાં ભાઈ-બહેનો હાજર રહેશે. સ્વામી નિત્યશુદ્ધાનંદ સરસ્વતી, કમલેશભાઈ રાદડિયા સહિતના મહાનુભાવો માર્ગદર્શન આપશે. હજારો લોકો એક પંગતમાં ભોજન પ્રસાદ લેશે. શહેરમાં ધજા-પતાકા અને બેનરો દ્વારા સજાવટ થશે તેમજ અંદાજે ૫,૦૦૦ પરિવારોને વ્યક્તિગત નિમંત્રણ પાઠવાશે. પંચ પરિવર્તનના સંદેશ સાથે વિવિધ સમિતિઓ તૈયારીઓમાં વ્યસ્ત છે.










































