ભવનાથમાં આ વર્ષનો શિવરાત્રિનો મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને ઐતિહાસિક બનવાનો છે ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથના દર્શનાર્થે આવશે. શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે અમરેલી એસ.ટી. વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમરેલીથી જૂનાગઢ જવા માટેની ટ્રેન સેવા બંધ હોવાથી ભાવિકો મોટાભાગે બસ દ્વારા જ ભવનાથ તળેટીએ પહોંચશે. આ અંગે વિભાગીય નિયામક ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, બુધવારથી ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો ચાલુ થઈ ગયો છે. જેથી અમરેલી સહિત જિલ્લાના વિવિધ ડેપોમાં ધીમે-ધીમે ટ્રાફિક વધશે તો જિલ્લાના તમામ ડેપો દ્વારા વધારાની બસ દોડાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. જા રૂટ સિવાય પણ વધુ ટ્રાફિક જાવા મળશે તો વધારાની બસ દોડાવવામાં આવશે. ભાવિકો મીની કુંભ મેળાનો લાભ લઈ શકે તે માટે અમરેલી એસ.ટી. ડિવિઝન સંપૂર્ણપણે તૈયાર છે. મુસાફરો આરામથી બસમાં મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા અમરેલી ડિવિઝન દ્વારા કરવામાં આવી છે તેમ અંતમાં વિભાગીય નિયામકે જણાવ્યું છે.









































