ઉત્તરપૂર્વીય ભારતીય રાજ્ય મણિપુરમાં ફરી હિંસા ભડકી છે. ચુરાચંદપુરમાં નાયબ મુખ્યમંત્રી તરીકે નેમચા કિપગેન અને લોસી દિખોના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સુરક્ષા દળો અને ભીડ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. મણિપુર પોલીસે વિરોધીઓને વિખેરવા માટે ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. એ નોંધવું જાઈએ કે મણિપુરમાં વર્ષોથી ચાલી રહેલી હિંસા વચ્ચે, કેન્દ્ર સરકારે ગયા વર્ષે રાજ્યમાં રાષ્ટÙપતિ શાસન જાહેર કર્યું હતું. આ પછી, તાજેતરમાં યુમનામ ખેમચંદ સિંહના નેતૃત્વમાં રાજ્યમાં નવી સરકારની રચના કરવામાં આવી હતી.
મણિપુરમાં રાષ્ટÙપતિ શાસન હટાવ્યાના અને યુમનામ ખેમચંદ સિંહના નેતૃત્વમાં નવી સરકારની રચનાના માત્ર ૨૪ કલાક પછી, ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. કુકી જૂથો ચુરાચંદપુરમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમના સમુદાયના ધારાસભ્યોને મણિપુર સરકારની રચનામાં ભાગ ન લેવાની ચેતવણી આપી હતી. તેઓએ ચુરાચંદપુરમાં સંપૂર્ણ બંધ અને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ગોળીબારની ઘણી ઘટનાઓ નોંધાઈ હતી. સંયુક્ત મોરચો ૭ એ કુકી-ઝો વિસ્તારોમાં ૧૨ કલાકના બંધનું આહ્વાન કર્યું છે.
હકીકતમાં, કુકી-ઝો ધારાસભ્ય નેમચા કિપગેનની ખેમચંદ સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકે નિમણૂક, અને અન્ય બે ધારાસભ્યોના સમર્થનથી, સમગ્ર સમુદાયમાં રોષ ફેલાયો છે. રાજ્યના ચુરાચંદપુર જિલ્લામાં નવી સરકાર સામે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા, જેના કારણે તુઇબોંગ વિસ્તારમાં તણાવ સર્જાયો. દિવસભર પરિસ્થિતિ તંગ રહી, જેના કારણે વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ થઈ. વધુ વકરી ન જાય તે માટે, વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.









































