બાબરા તાલુકાના કરિયાણા ગામે કૌટુંબિક અને મૈત્રી કરારના વિવાદમાં એક આધેડ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી. દીકરીએ ગામના જ એક યુવક સાથે મૈત્રી કરાર કર્યા બાદ, વીડિયો ઉતારવાની બાબતે થયેલી બોલાચાલીમાં ચાર શખ્સોએ ભેગા મળીને ફરિયાદીને બેરહેમ માર માર્યો હતો. કૈલાસબેન અશોકભાઇ જતાપરા (ઉ.વ.૪૦) એ તેમના જ ગામના રવિભાઇ લાલજીભાઇ રાઠોડ, ધ્રુવિબેન અશોકભાઇ જતાપરા, સંજયભાઇ લાલજીભાઇ રાઠોડ તથા આકાશભાઇ મુન્નાભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી.મળતી માહિતી મુજબ, તેમની દીકરીએ કરિયાણા ગામના જ રવિભાઈ રાઠોડ સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ દરમિયાન, “તું મારા પિતાના દારૂ પીતા હોય તેવા વીડિયો કેમ ઉતારે છે?” તેમ કહી આરોપીએ ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને આરોપીઓએ ફતેમના પર હુમલો કરી દીધો હતો.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીએ તેમના માથાના પાછળના ભાગે લાકડાના ધોકાનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સાથે જ અન્ય આરોપીઓએ પણ તેમને અતિશય બીભત્સ ગાળો આપી, ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો. ચારેય શખ્સોએ ભેગા મળીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.બાબરા પોલીસે આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગામમાં આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાય.એચ. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.







































