અમરેલી જિલ્લામાં બે અલગ-અલગ સ્થળોએથી બે મહિલાઓ ગુમ થઈ હોવાની ઘટનાઓ સામે આવી છે. દામનગરની વાણીયા શેરીમાં રહેતા રેખાબેન મહેશભાઇ રાઠોડ નામના મહિલા પોતાના ઘરેથી ગુમ થયા છે. ગત તા. ૨૭/૦૧/૨૦૨૬ના રોજ સાંજના આશરે આઠેક વાગ્યાના સમયગાળા દરમિયાન તેઓ કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજી ઘટનામાં, નાગેશ્રી ગામે રહેતા ૩૧ વર્ષીય જનકબેન ગુમ થયા છે. તેઓ પણ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા અને મોડે સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. યુવતીનો કોઈ પત્તો ન મળતા આ મામલે પોલીસમાં ‘ગુમ થયા’ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. બંને કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ દ્વારા મહિલાઓના વર્ણન અને સંભવિત સ્થળોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જો કોઈને આ મહિલાઓ વિશે જાણકારી મળે, તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી હતી.