ગુજરાત હાઈકોર્ટે માનવ અધિકાર આયોગોની કામગીરી અંગે મહત્વપૂર્ણ અને સ્પષ્ટ માર્ગદર્શિકા આપતાં જણાવ્યું છે કે માનવ અધિકાર આયોગનું કાર્ય ખાનગી અથવા કુટુંબીય સિવિલ વિવાદો ઉકેલવાનું નથી. માનવ અધિકારોનો મૂળ હેતુ જીવન, સ્વતંત્રતા, સમાનતા અને માનવ ગૌરવ જેવી મૂળભૂત સ્વતંત્રતાઓનું રક્ષણ કરવાનો છે.

હાઈકોર્ટએ એક કેસમાં નોંધ્યું હતું કે કુટુંબીય મિલકત સંબંધિત વિવાદ, જે પહેલેથી જ સિવિલ કોર્ટમાં ચાલતો હતો, તેને માનવ અધિકારના ઉલ્લંઘન તરીકે દર્શાવી રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જમીનની માલિકી, વારસાગત હક્ક, વહેંચણી, કરાર અથવા કુટુંબીય ગોઠવણ સંબંધિત મુદ્દાઓ શુદ્ધ સિવિલ વિવાદો છે અને તેનો નિર્ણય માત્ર સિવિલ કોર્ટ દ્વારા જ થવો જોઈએ.

કોર્ટે ચેતવણી આપી હતી કે આવા કેસોને સ્વીકારવાથી માનવ અધિકાર આયોગ સમકક્ષ સિવિલ કોર્ટમાં પરિવર્તિત થઈ જાય છે, જે કાયદાનો ઉદ્દેશ ક્યારેય નહોતો. રાજ્ય સરકાર તરફથી ઉપસ્થિત સરકારી વકીલ જી.એચ. વિર્કે પણ માનવ અધિકાર આયોગની કાર્યવાહીનો દુરુપયોગ કરીને સરકારી અધિકારીઓને અનાવશ્યક રીતે બોલાવવાની પ્રથા પર રોક લગાવવાની માંગ કરી હતી.

રાજ્ય સરકારે રજૂઆતમાં જણાવ્યું કે માનવ અધિકાર આયોગોએ કોર્ટમાં પહેલેથી ચાલતા સિવિલ અથવા કરાર સંબંધિત વિવાદોમાં હસ્તક્ષેપ ટાળવો જોઈએ. ઉપરાંત, મીડિયા અહેવાલો કે અનામ ફરિયાદોના આધારે સ્વપ્રેરિત કાર્યવાહી કરતી વખતે અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. કાર્યવાહી દરમિયાન વરિષ્ઠ સરકારી અધિકારીઓને હળવાશથી બોલાવવા ન જોઈએ, તે બાબતે પણ ભાર મૂકાયો હતો.

હાઈકોર્ટે રાજ્યની આ તમામ રજૂઆતોને સ્વીકારીને ભવિષ્ય માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા. કોર્ટે જણાવ્યું કે માનવ અધિકાર આયોગે ફરિયાદ સ્વીકારતા પહેલા એ ચોક્કસ રીતે તપાસવું જોઈએ કે ફરિયાદ ખરેખર માનવ અધિકારના મુદ્દાને સ્પર્શે છે કે નહીં. સમન્સ અને વોરંટ્‌સનો ઉપયોગ અત્યંત મર્યાદિત અને જવાબદારીપૂર્વક થવો જોઈએ.

કોર્ટે અંતમાં નોંધ્યું કે માનવ અધિકાર આયોગની કાર્યવાહીથી ખાનગી પક્ષો પર દબાણ સર્જાય અને યોગ્ય ન્યાયિક પ્રક્રિયા વિના સિવિલ વિવાદો ઉકેલાવાની સ્થિતિ ઊભી થાય તે ગંભીર બાબત છે. તેથી, માનવ અધિકારના નામે ખાનગી વિવાદોમાં સરકારી અધિકારીઓને ખેંચવાની પ્રથા પર સ્પષ્ટ રોક હોવી જોઈએ.