બાબરા તાલુકાના ખાખરીયા ગામે કોળી સમાજના યુવાનો દ્વારા માંધાતા પ્રાગટ્ય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે સમાજના આરાધ્ય દેવ માંધાતા મહારાજના ચરણોમાં દીપ પ્રગટાવી અને પુષ્પહાર અર્પણ કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માંધાતા મહારાજના જીવન અને તેમના ઉપદેશોની યાદ તાજી કરવામાં આવી હતી. હાજર રહેલા વક્તાઓએ માંધાતા મહારાજના ત્યાગ, સાહસ અને સમાજ માટેના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. કોળી સમાજના યુવાનોએ એકત્રિત થઈને સમાજમાં એકતા, ભાઈચારો અને સંસ્કાર જળવાય રહે તે માટે સામૂહિક સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં નવી પેઢી પોતાના સંસ્કાર અને પરંપરાઓ સાથે જોડાય તે હેતુસર યુવાનોમાં ધાર્મિક અને સામાજિક ચેતના વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ તકે ગામના વડીલો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.







































