અમરેલી શહેરમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્‌યો હતો. શહેરમાં ગઢની રાંગ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ પ્લાસ્ટિક દોરીના જથ્થા સાથે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. અમરેલીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામા ક્રમાંક ૧૦૩૫/૨૦૨૫ (તા. ૨૪/૧૧/૨૦૨૫) અન્વયે ચાઇનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ છતાં, ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ નફો કમાવાની લાલચે આ નિયમોનું ઉલ્લંઘન કરતા શખ્સો પોલીસની ઝપટે ચડ્‌યા હતા. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓના કબજામાંથી ચાઇનીઝ પ્લાસ્ટિક ફિરકી – ૨૦ નંગ મળી આવી હતી. પોલીસે કુલ રૂ.૧૬,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા શખ્સો આ દોરીનું વેચાણ કરવાના ઈરાદે ગઢની રાંગ પાસે ઊભા હતા ત્યારે જ પોલીસે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે. આ સિવાય નાગનાથ સર્કલ પાસેથી એક યુવક બે ચાઇનીઝ ફિરકી સાથે પકડાયો હતો. તેની પાસેથી ૫૬૦ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો હતો. બંને ઈસમો પાસેથી મળીને કુલ ૧૬,૫૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.