અમરેલી જિલ્લાના તરવડા ગામે સગીરાને લગ્ન અથવા અન્ય ઈરાદે લલચાવી ફોસલાવીને ભગાડી જવાની ઘટના સામે આવી હતી. આ મામલે સગીરાના પિતાએ બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અને હાલ તરવડા ગામે રહી મજૂરી કરતા સગીરાના પિતાએ તેમના જ રાજ્યના મહેશ મલશીંગ ભુંડળ તથા રમેશભાઇ જામસીંગ મેહડા સામે ફરિયાદ નોંધાવી હતી.
વિગત મુજબ, તરવડા ગામે રહેતા ફરિયાદીની સગીર વયની દીકરીને મહેશ ભુંડળ લગ્ન કરવાની લાલચ આપી અથવા બદકામ કરવાના ઈરાદે વાલીપણામાંથી ભગાડી ગયો હતો. સગીરાને પટાવી-ફોસલાવીને પોતાની સાથે લઈ જઈ આરોપીએ કાયદેસરના વાલીપણાનો ભંગ કર્યો હતો.
આ ગુનામાં માત્ર મુખ્ય આરોપી જ નહીં, પરંતુ તેને સાથ આપનાર અન્ય એક શખ્સ રમેશભાઈ મેહડા પણ સામેલ છે. પોલીસ ફરિયાદ મુજબ, રમેશ મેહડાએ સગીરાને ભગાડવામાં મુખ્ય આરોપીને સંપૂર્ણ મદદ કરી હતી અને ગુનામાં સહભાગી બન્યો હતો. દીકરી ગુમ થતા પરિવારે શોધખોળ આદરી હતી, પરંતુ કોઈ પતો ન લાગતા આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.









































