આજે મકરસંક્રાંતિ છે અને ઉત્તરાયણ પણ છે. સામાન્ય લોકોમાંથી મોટા ભાગના ઉત્તરાયણ અને મકર સંક્રાતિને એક જ માને છે કેમ કે મોટા ભાગનાં વરસોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે એટલે કે ૧૪ જાન્યુઆરીએ આવે છે પણ વાસ્તવમાં ઉત્તરાયણ ને મકર સંક્રાંતિ અલગ અલગ તહેવાર છે. આ બંને સંપૂર્ણ શુધ્ધ ભારતીય તહેવારોની ઉજવણી બે અલગ અલગ ભારતીય શાસ્ત્રોના આધારે થાય છે.
ઉત્તરાયણની ઉજવણી ખગોળશાસ્ત્ર અને મકરસંક્રાતિની ઉજવણી જ્યોતિષશાસ્ત્રના આધારે થાય છે પણ યોગાનુયોગ એવો બન્યો છે કે, બંને સામાન્ય રીતે ૧૪ જાન્યુઆરીએ આવે છે તેથી મકરસંક્રાંતિ ઉત્તરાયણનું જ બીજું નામ છે એવી માન્યતા થઈ ગઈ છે.
જો કે મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ દર વરસે ૧૪ જાન્યુઆરીએ સાથે જ હોય એવું નથી બનતું. ઉત્તરાયણ દર વરસે ૧૪ જાન્યુઆરીએ જ ઉજવાય છે પણ મકરસંક્રાંતિ ઘણી વાર ૧૪ જાન્યુઆરીએ નથી હોતી. અંગ્રેજી કેલન્ડરમાં લિપ યર હોય છે. દર ચાર વરસે આવતા લિપ યરમાં ફેબ્રુઆરીમાં ૨૮ દિવસ હોય છે. સામાન્ય રીતે લિપ યરમાં મકરસંક્રાંતિ ૧૫ જાન્યુઆરીએ હોય છે.
૨૦૨૦માં મકરસંક્રાંતિ ૧૫ જાન્યુઆરી હતી કેમ કે ૧૪ જાન્યુઆરીએ સાંજે ૫.૫૮ વાગ્યે જ સૂર્ય અસ્ત થઈ જતાં દિવસ સમાપ્ત થઈ ગયો હતો. એ પછી સાંજે ૭.૨૭ વાગ્યાથી સૂર્યે મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો. સંક્રાંતિ સૂર્યનો તહેવાર છે પણ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે ત્યારે સૂર્ય સાક્ષી ન હોવાથી મકરસંક્રાંતિ ૧૫ જાન્યુઆરીના રોજ ઉજવાઈ હતી. ભારતમાં દિવસની શરૂઆત સૂર્યોદયથી થાય છે તેથી પણ આ પરંપરા છે. ૨૦૧૬માં પણ ૧૫ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ મનાવાઈ હતી. મકરસંક્રાંતિ પવિત્ર સ્નાન, દાન-પુણ્ય માટે શ્રેષ્ઠ મનાય છે અને આ બધું ૧૫ જાન્યુઆરીએ થયું હતું.
આ વરસે પણ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરી અને ૧૫ જાન્યુઆરી એમ બે દિવસમાં વહેંચાયેલી છે. જ્યોતિષીઓની ગણતરી પ્રમાણે, ૧૪ જાન્યુઆરીએ બપોરે ૩.૦૭ કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશશે. ભારતીય પરંપરામાં શરૂઆત પછીના ઓછામાં ઓછા ૧૮ કલાક એ તિથિ રહે છે તેથી ૧૫ જાન્યુઆરીની સવાર સુધી મકરસંક્રાંતિ રહેશે.
સામાન્ય રીતે મકરસંક્રાંતિના દિવસથી કમૂરતાં ઉતરી જાય છે એવી માન્યતા છે પણ આ વખતે ૧૪ જાન્યુઆરીએ ષટતિલા એકાદશી હોવાથી મકરસંક્રાંતિના દિવસથી શુભ કાર્યોનો પ્રારંભ નહીં કરી શકાય. બલ્કે ૨ ફેબ્રુઆરથી કમૂરતાં પૂરાં થશે.
મકરસંક્રાંતિ શું છે ?
ભારતમાં મકરસંક્રાતિ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ઉજવાય છે. સંસ્કૃતમાં સંક્રાંતિ શબ્દનો અર્થ એક સ્થાનથી બીજા સ્થાને જવું એવો થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કુલ ૧૨ રાશિ છે તેથી વાસ્તવમાં વર્ષમાં કુલ બાર સંક્રાંતિ થાય છે પણ આપણે મકર સંક્રાંતિની જ ઉજવણી કરીએ છીએ. એ પાછળનું ચોક્કસ કારણ ખબર નથી પણ એવું મનાય છે કે, ખેતીપ્રધાન ભારતમાં શિયાળામાં પાકતું ધાન આખું વરસ લોકોને જીવતા રાખતું તેથી ખેતી માટે આ પાક સૌથી મહત્વનો હતો. આ પાક સારો ઉતરે તો આખું વરસ ચિંતામુક્ત થઈ જવાતું તેથી મકરસંક્રાંતિની ઉજવણી જોશભેર થતી.
રસપ્રદ વાત એ છે કે, ભારતમાં બીજી કોઈ સંક્રાંતિની ઉજવણી નથી થતી. સૂર્ય ધનુ અથવા તો ધન રાશિમાંથી મકરમાં પ્રવેશ કરે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશે તેના બે દિવસ બાદ જ કર્ક રાશિમાં પ્રવેશ કરે છે પણ ઉજવણી મકરસંક્રાંતિની જ થાય છે.
મકરસંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં મનાવાય છે એ જોતાં આ તહેવાર માત્ર ભારતીય નથી રહ્યો. એશિયાના અલગ અલગ વિસ્તારોમાં થોડા સ્થાનિક ફેરફાર સાથે મકરસંક્રાંતિ મનાવાય છે. ઉતર ભારતમાં હિમાચલ પ્રદેશ અને પંજાબમાં લોહડી અથવા લોહળી તરીકે જ્યારે બિહારમાં સંક્રાંતિ તરીકે ઉજવાય છે. આસામમાં ભોગાલી બિહુ તરીકે જ્યારે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત અને ઓડિશામાં મકરસંક્રાંતિ તરીકે ઉજવણી થાય છે. મહારાષ્ટ્રમાં તેને માત્ર સંક્રાંત કહે છે.
દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પોંગલ, આંધર અને તેલંગાણામાં તેલુગ જ્યારે કર્ણાટકમાં સંક્રાન્થી તરીકે ઉજવણી થાય છે. સબરીમાલા મંદિરમાં તો આ દિવસે મકર વલ્લાક ઉત્સવ ઉજવાય છે. નેપાળમાં થારૂ લોકો માઘી તરીકે જ્યારે અન્ય લોકો માઘ સંક્રાંતિ કે માઘ સક્રાતિ તરીકે ઉજવે છે. થાઈલેન્ડમાં સોંગ્ક્રાન, લાઓસમાં પિ મા લાઓ અને મ્યાનમારમાં થિંગયાન તરીકે ઉજવણી થાય છે.
ઉત્તરાયણ વિશે એક રસપ્રદ વાત જાણવા જેવી છે.
આપણે ઉત્તરાયણની ઉજવણી ૧૪ જાન્યુઆરીએ કરીએ છીએ પણ વાસ્તવમાં ઉત્તરાયણ બહુ પહેલાં શરૂ થઈ જાય છે. ઉત્તરાયણનો પ્રારંભ ૨૧-૨૨ ડિસેમ્બરથી થઈ જાય છે પણ તેની ઉજવણી ૧૪ જાન્યુઆરીએ થાય છે કેમ કે શિયાળુ પાક લેવાઈ ગયો હોવાથી લોકો નવરા થઈ જતા. પાકના ભંડાર ભર્યા હોય તેથી અનાજનું દાન પણ કરી શકાતું અને ઉજવણી પણ હળવાફુલ થઈને કરી શકાતી.
ઉત્તરાયણ ખગોળશાસ્ત્ર પ્રમાણે ઉજવાતો તહેવાર છે. એક સમયે ભારત ખગોળશાસ્ત્રમાં બહુ આગળ હતું અને દુનિયાના કોઈ દેશ પાસે ના હોય એવું ખગોળજ્ઞાન ભારતીયો પાસે હતું. આ જ્ઞાનમાંથી જ ઉત્તરાયણની ઉજવણી શરૂ થઈ.
ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય સ્થિર છે જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. પૃથ્વી પોતાની ધરી પર પણ પરિભ્રમણ કરે છે.
પૃથ્વી એક વર્ષમાં સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે. ભમરડાની જેમ પૃથ્વી સૂર્યની સાપેક્ષ પોતાની ધરી પર સાડા ત્રેવીસ ડિગ્રી નમીને ફરે છે. એક સોલાર વર્ષ દરમિયાન બે વાર પૃથ્વી પોતાની ધરી પર નમન બદલે છે. આ પૈકી ૨૨ ડિસેમ્બરે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ સાડા ત્રેવીસ અંશ નમે તેને ઉત્તરાયણ કહેવાય છે. તેની પહેલાંનો દિવસ એટલે કે ૨૧ ડિસેમ્બર વરસનો સૌથી ટૂંકો દિવસ હોય છે તેથી વાસ્તવિક રીતે ઉત્તરાયણનો પ્રારંભ ૨૧-૨૨ ડિસેમ્બરથી થઈ જાય છે પણ ઉજવણી ૧૪ જાન્યુઆરીએ થાય છે.
ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ બને સૂર્ય ઉપાસનાનાં પર્વ છે.
આપણે અત્યારે અલગ અલગ દેવી-દેવતાઓને પૂજીએ છીએ અને હિંદુત્વ તેમની આસપાસ કેન્દ્રિત થઈ ગયું છે પણ આ ધરતીની પ્રજા મૂળ કુદરતની પૂજક હતી. માણસને જીવાડે એ બધાં તેના માટે પૂજનીય હતા. સૂર્યદેવ પ્રકાશ આપતા ને ઉર્જા આપતા તેથી પૂજાતા હતા. નદી પાણી આપે તેથી માતા ગણાતી તો ગાય પૌષ્ટિક તત્વો ધરાવતું દૂધ આપે તેથી માતા હતી.
ધરતી અનાજ આપીને જીવન આપતી તેથી માતા હતી તો વૃક્ષ ફળ, ફૂલ, લાકડું વગેરે આપતા અને તેમાંથી જંગલી જાનવરો સામે લડવા માટેના હથિયાર બનતા તેથી વૃક્ષોની પૂજા થતી. પવન, અગ્નિ, વરસાદ વગેરે આ કારણે જ પૂજાતા. ગાયમાં ૩૩ કરોડ દેવોનો વાસ છે તેથી પૂજનીય છે કે વૃક્ષમાં ફલાણા ભગવાનનો વાસ છે તેથી તેની પૂજા કરવી જોઈએ એ બધું પછી આવ્યું.
ભારતમાં પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્વ હતું, વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ મનાતા ઋગ્વેદમાં સૂર્ય ઉપાસનાનો ઉલ્લેખ છે. ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો છે. પ્રાચીન ગ્રંથોમાં સૂર્યદેવને કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી વિનંતી કરતા ઘણા મંત્રો છે.
આપણા જ્ઞાની ઋષિ-મૂનિઓને સૂર્યના તેજ અને તાપથી થતા ફાયદા વિશે ખબર હતી તેથી મંત્રો દ્વારા તેમની તરફ આભાર વ્યક્ત કરતા. અત્યારની જેમ ભગવાન રીઝે અને આપણને ફાયદો કરાવી દે એવી સ્વાર્થની લાગણી નહોતી પણ ઉપાસના પાછળ માનવજીવનને સરળ બનાવનારા તરફ આભારની લાગણી વ્યક્ત કરવાનો ભાવ હતો. હવે ધર્મનું સ્વરૂપ બદલાયું છે અને ધર્મ સાથે ભૌતિક સુખોનો સ્વાર્થ ભળ્યો છે તેથી ઉપાસનાનું સ્વરૂપ જ બદલાઈ ગયું છે. પહેલાં સૂર્યદેવને માત્ર પાણીનો અર્ધ્ય આપીને ઉપાસના કરાતી તેથી સાવ સામાન્ય વ્યક્તિ પણ ઉપાસના કરી શકતી. એક લોટો પાણી લઈને વહેલી સવારે સૂર્યને ચડાવીને તેની તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરી દેવાતી. હવે ઉપાસના માટે પણ જાત જાતનાં વિધિ-વિધાન કરવાં પડે છે અને એ ખર્ચાળ છે તેથી ગરીબોને તો પરવડે જ નહી એવી હાલત થઈ ગઈ છે. આ મકરસંક્રાતિ અને ઉત્તરાયણે સૂર્યની મૂળ ઉપાસના તરફ પાછા વળવું જોઈએ એવું નથી લાગતું ?
sanjogpurti@gmail.com






































