“સારા કામ કરવા માટે કોઈ હોદ્દાની જરૂર હોતી નથી” આ વાતને સાર્થક કરતા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે સતત અનેક વર્ષોની જેમ આ વર્ષે પણ પતંગ વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે પોતાના વિસ્તારના બાળકોને તહેવારની ભેટ આપી ૧.૫૦ લાખથી વધુ પતંગોનું વિતરણ કર્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજુલા-જાફરાબાદ -ખાંભા વિસ્તારના એટલે કે ૯૮ વિધાનસભાના કુલ ૧૪૨ ગામોની પ્રાથમિક શાળાઓના ૫૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમરીશ ડેર દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ થી સતત દર વર્ષે મકરસંક્રાંતિના બે દિવસ અગાઉ શાળાના વિદ્યાર્થીઓને પતંગ વિતરણ કરવામાં આવે છે. હાલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ કર્મચારી મંડળના ચેરમેન તરીકે ફરજ બજાવતા અમરીશ ડેરે જણાવ્યું હતું કે, “મારા વિસ્તારના બાળકો પતંગ ઉડાડીને જે ખુશી મેળવે છે, તેનાથી ડબલ ખુશી મને મળે છે. ખાસ કરીને દરિયાકાંઠાના છેવાડાના તથા મધ્યમ વર્ગના પરિવારના બાળકો પણ તહેવાર ઉજવી શકે તેવા અમારા પ્રયાસો છે.” દર વર્ષે અમરીશ ડેરના ફોટાવાળા પતંગો બાળકોને આપવામાં આવે છે. કોરોનાના સમયમાં જ્યારે ફોટાવાળા પતંગો મળવા મુશ્કેલ હતા ત્યારે પણ બાળકોએ આગ્રહ રાખ્યો હતો કે તેમને પતંગ તો તેમના ફોટાવાળા જ જોઈએ, બાળકોની આવી લાગણી જોઈને અમરીશ ડેરે ખુશી વ્યક્ત કરી હતી. આ વિતરણને પગલે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં ઉત્સાહની
લહેર જોવા મળી છે.

































