સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. ગામમાં આવેલા નાડા પરિવારના ખોડિયાર માતાજીના મઢને નિશાન બનાવી અજાણ્યા શખ્સો સોના-ચાંદીના કિંમતી ઘરેણાં ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે ભરતગીરી સોમગીરી ગૌસ્વામી (ઉ.વ.૫૦)એ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ચોરીની ઘટના તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ની વહેલી સવારે ૦૧ઃ૦૦ થી ૦૪ઃ૩૦ વાગ્યાના અરસામાં બની હતી. તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈ મઢના લોખંડ અને લાકડાના દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ મઢમાં બિરાજમાન માતાજીની મૂર્તિ પરથી સોનાનો મુગટ, સોના-ચાંદીના નાના-મોટા છતર મળી કુલ અંદાજિત કિંમત રૂ.૧,૮૦,૦૦૦ લાખના ઘરેણાની ચોરી કરી હતી. ભક્તિધામમાં થયેલી આ ચોરીને પગલે સ્થાનિક ગ્રામજનો અને નાડા પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે જ્યારે ચોરી થયાની જાણ થઈ ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં આ મામલે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.




































