અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રાભડા ગામે એક યુવાને પ્રેમસંબંધના વિવાદમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મરણજનાર યુવાનને જેલમાં પૂરી દેવાની અને ગંભીર ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી મળતા તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે શામજીભાઇ નાનજીભાઇ પરમાર (ઉ.વ.૪૫)એ જેસીંગભાઇ ડાયાભાઇ પરમાર, કેશુભાઇ ચકુરભાઇ પરમાર, મહેશભાઇ લખમણભાઇ પરમાર તથા ડાયાભાઇ ચકુરભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.મળતી માહિતી મુજબ, રાભડા ગામના રહેવાસી અજયભાઈ પરમારને તેમના પડોશમાં રહેતા જેસિંગભાઈ પરમારની દીકરી સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધની જાણ યુવતીના પરિવારજનોને થતા મામલો બિચક્યો હતો. આરોપીઓએ એકસંપ થઈને અજયભાઈને ડરાવ્યા હતા અને ધમકી આપી હતી કે તેને જાનથી મારી નાખવામાં આવશે અથવા બળાત્કાર જેવા ગંભીર અને ખોટા કેસમાં ફસાવીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. આ ધમકીઓથી યુવાન ડરી ગયો હતો અને આપઘાત કરી લીધો હતો. જેથી યુવાનને મરી જવા મજબૂર કર્યાનો ગુનો રાજુલા પોલીસના ચોપડે નોંધાયો છે.




































